આણંદ, ખેડા : વિશ્વભરમાં બ્રિટનના નવાં કોરોના સ્ટ્રેનને લઇ સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આ માહોલ વચ્ચે યુકેથી નડિયાદ આવેલાં યુવકનો ટેસ્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક નમૂના લઈ તેને પૂણે લેબમાં મોકલવામાં આવ્યાં હતાં. જાેકે, પૂણેની લેબનો રિપોર્ટ નેગેટિવ રિપોર્ટ આવતાં તંત્રમાં હાશકારો થયો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ, એક ૩૪ વર્ષિય યુવક હજુ ગયાં અઠવાડિયે જ યુકેથી નડિયાદ આવ્યો હતો. આ યુવકનો આરટીપીસીઆર લેવામાં આવ્યો હતો. આરટીપીસીઆર પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તકેદારીના પગલાં ભરવામાં આવ્યાં હતાં. બ્રિટનમાં નવાં કોરોના સ્ટ્રેનના પગલે તંત્રને સૂચના આપવામાં આવી હતી. સૂચના મુજબ, યુવકના વધુ નમૂના લઈ તાત્કાલિક પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી લેબ ખાતે મોકલવામાં આવ્યાં હતાં. પૂણેનો રિપોર્ટ તાજેતરમાં આવ્યો હતો, જેમાં યુવક નેગેટિવ હોવાનું સામે આવતાં નડિયાદ જિલ્લાના આરોગ્ય વિભાગનો શ્વાસ નીચે બેઠો હતો. આરોગ્ય વિભાગના સૂત્રોનું કહેવું છે કે, ચરોતર એનઆરજીનું મુખ્ય મથક ગણાતું હોવાથી વહીવટી તંત્રને ખાસ તકેદારી રાખવાનું જણાવવામાં આવ્યું છે. આ સીઝનમાં અનેક પરિવારો વિદેશથી માદરે વતન ચરોતર આવી રહ્યાં છે. આ સમયે કોરોના સંક્રમણનો મામલો ગંભીર ન બને તે માટે વિદેશથી આવતાં તમામ નાગરિકોના અલગથી ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ખેડા જિલ્લામાં બુધવારે ૧૬ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં. જિલ્લામાં સૌથી વધુ ૧૩ દર્દીઓ નડિયાદમાં નોંધાયા છે. ઠાસરા, વસો અને મહુધામાં ૧-૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંક ૨૯૫૫ પર પહોંચ્યો છે. બીજી તરફ આણંદ શહેર સહિત જિલ્લામાં બુધવારે ૧૫ નવાં પોઝિટિવ દર્દી નોંધાતાં જિલ્લાનો કુલ આંક ૨૨૫૮ પર પહોંચી ગયોે છે. સૌથી વધુ આણંદ શહેર સહિત તાલુકામાં ૯ કેસો નોંધાયા હતાં, જ્યારે પેટલાદ અને ઉમરેઠમાં ૨-૨ કેસ અને બોરસદ અને આંકલાવમાં ૧-૧ કેસ નોંધાયો હતોે. હાલમાં આણંદમાં કુલ ૫૯ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેમાંથી ૧૨ દર્દી હોમ આઇસોલેશનમાં છે. જિલ્લાની જુદી-જુદી હોસ્પિટલોમાં ૪૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.