વડોદરા, તા.૧૫

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગેંડા સર્કલથી ગોરવા શાકમાર્કેટ સુધી ગ્રીનબેલ્ટની જગ્યા સુધીમાં ઠેર ઠેર ખાણીપીણીની લારીઓ સહિત અન્ય લારીઓ સાંજથી મોડી રાત સુધી ઊભી રહે છે. જ્યારે આ ખાણીપીણીની લારીઓની આગળ લારી ધારકો દ્વારા ટેબલ ખુરશીઓ પણ ફૂટપાથ અને રોડ પર ગોઠવવામાં આવે છે, જેથી રસ્તો સાંકડો થવાની સાથે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. પાલિકા તંત્ર દ્વારા આવિસ્તારમાં તમામ ખાણીપીણીના લારીધારકોને લારીઓ વ્યવસ્થિત પાર્ક કરવા અને લારીઓની આગળ ટેબલ ખુરશી નું દબાણ ફૂટપાથ કે રોડ પર નહીં કરવા અનેક વખત સૂચના આપવામાં આવી હતી.

અવાર નવાર સૂચના અને કાર્યવાહી છતા ખાણી પીણીની લારીઓની આગળ ટેબલ ખુરશી સહિતના દબાણો થતા શુક્રવારે મોડી સાંજે મોડી સાંજે પાલિકાની દબાણ ટીમ ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસનો સ્ટાફ અને વોર્ડના સ્ટાફને સાથે રાખીને પાલિકાની દબાણ શાખાની ટીમે લારીધારકો દ્વારા કરાયેલા વધારાના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ઘરી હતી. દરમિયાન સયાજી ગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા કાર્યવાહી દરમિયાન સ્થળની મુલાકાતે આવ્યા હતા.

પાલિકાની દબાણ શાખાએ ખાણીપીણીની લારીઓ આગળ ગોઠવવામાં આવેલા ટેબલ ખુરશીઓ સહિત શાકભાજી માર્કેટની પાસે ગ્રીનબેલ્ટની જગ્યામાં ગેરકાયદે પાર્ક કરવામાં આવેલા પાંચ ટેમ્પો સહિત ચાર ટ્રક જેટલો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

આગળ લારી મૂકીને પાછળ ટેબલ-ખુરશીના દબાણો હતા તે દૂર કરાયા

ગોરવાથી પંચવટી સુધીના સ્માર્ટ રોડ પર લારીઓ મૂકવા જગ્યા ફાળવવામાં આવી છે. આ વિસ્તારમાં કોર્પોરેશનનો ગ્રીન બેલ્ટના પ્લોટ પણ આવેલા છે. ત્યા પડેલા ચાર જેટલા ટેમ્પા પાલિકાની દબાણ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત કેટલાક ખાણી પીણીની લારીવાળા રોડની આગળ લારી ઉભી કરીને પાછળના ભાગમાં ટેબલ ખુરશીઓ લગાવી દબાણ કરવામાં આવ્યું હતંુ. આ પૂર્વે પાલિકા દ્વારા ટેબલ ખુરશી વગેરેના વધારાના દબાણો નહી કરવાની સૂચના આપી હતી, તેમ સયાજીગંજના ઘારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યંુ હતંુ.