અમદાવાદ 

18 વર્ષ પહેલા પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત કરનાર વિકેટકિપર-બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. આ સાથે જ પાર્થિવે એક ઇમોશનલ પોસ્ટ લખીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના નિર્ણયનું એલાન કર્યુ છે.

-2002ના વર્ષમાં 17 વર્ષ અને 153 દિવસની ઉંમરમાં ડેબ્યૂ કરીને પાર્થિવ પટેલ ટેસ્ટમાં સૌથી ઓછી ઉંમરનો વિકેટકીપર બની હયો હતો. પોતાના કરિયરની શાનદાર શરૂઆત કરનાર પાર્થિવ પટેલે 2004માં દિનેશ કાર્તિક અને મહેન્દ્ર સિંહ ધોનીને તક મળતા ટીમમાંથી ધીમે ધીમે સ્થાન ગુમાવ્યુ. તેણે નવેમ્બર 2004માં અમદાવાદમાં પોતાની પહેલી રણજી ટ્રોફી રમવાના બે વર્ષ અને બે મહિના પહેલા જ ટેસ્ટ ક્રિટેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.

-35 વર્ષના પાર્થિવ પટેલે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 જેટલી ટી-20 મેચો ટીમ ઈન્ડિયા માટે રમી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ગુજરાત માટે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. પાર્થિવે નિવૃત્તિની જાહેરાત ટ્વિટરના માધ્યમથી કરી.

-રણજી ટ્રોફીના ઇતિહાસમાં 100 કે તેથી વધુ મેચ રમનારા ભારતના ઘણા ક્રિકેટર છે પરંતુ ગુજરાતની ટીમમાંથી રમ્યા હોય તેવો પાર્થિવ પ્રથમ ક્રિકેટર છે. આ ઉપરાંત પાર્થિવ પટેલે તેની તમામ મેચ એક જ એટલે કે ગુજરાતની ટીમમાંથી રમી છે જ્યારે અન્ય ખેલાડીઓમાંથી મોટાભાગનાએ ટીમો બદલી હતી.

-પાર્થિવ પટેલ માત્ર 100 રણજી મેચ રમવામાં જ નહીં પરંતુ અન્ય ઘણી બાબતોમાં ગુજરાતમાંથી પ્રથમ ક્રિકેટર છે. તેણે 2002માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમીને તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે ગુજરાત તરફથી તે એવો પ્રથમ વિકેટકીપર બન્યો હતા જે ભારત માટે ટેસ્ટ રમ્યો હોય. એ વખતે તે વિશ્વનો સૌથી યુવાન વયનો વિકેટકીપરનો રેકોર્ડ પણ સર્જી ચૂક્યો હતો. 2003માં તે ભારતની વર્લ્ડ કપ માટેની ટીમમાં પસંદ થયો હતો.

-આઇપીએલમાં પણ રમનારો તે ગુજરાતનો પ્રથમ ક્રિકેટર હતો. તે એવા જૂજ ખેલાડીમાં સ્થાન ધરાવે છે જે પહેલા ટેસ્ટ રમ્યા હોય અને ત્યારબાદ રણજી ટ્રોફી રમ્યા હોય. ટેસ્ટ રમ્યા બાદ પાર્થિવ પટેલે 2004માં ગુજરાત માટે રણજી ટ્રોફીમાં રમવાનો પ્રારંભ કર્યો હતો. પાર્થિવ પટેલની સૌથી મહાન સિદ્ધિ 2017ના જાન્યુઆરીમાં નોંધાઈ હતી જ્યારે તેની આગેવાનીમાં ગુજરાત રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું.

-ગુજરાત 1934-35થી રણજી ટ્રોફી રમી રહ્યું હતું. 1951ને બાદ કરતાં ગુજરાત ક્યારેય ફાઇનલમાં પ્રવેશી શક્યું ન હતું. 2017ની 14મી જાન્યુઆરીએ ઇન્દોરમાં મુંબઈ જેવી ચેમ્પિયન ટીમને પછડાટ આપીને ગુજરાતે રણજી ટ્રોફી જીતી હતી. માત્ર રણજી ટ્રોફી જ નહીં પરંતુ પાર્થિવ પટેલની આગેવાની હેઠળ ગુજરાતે વન-ડેમાં વિજય હઝારે ટ્રોફી અને ટી20માં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી પણ જીતેલી છે.

જોકે હવે તે કમેન્ટ્રી, કોચિંગ અને અન્ય એક્ટિવીટી સાથે જોડાયેલો રહી શકે છે. આ ઉપરાંત જો તે કોઇ વિદેશી લીગમાં રમવા ઇચ્છશે તો તે રમવા પાત્ર થઇ જશે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇ તે ખેલાડીઓને કોઇપણ વિદેશી લીગમાં રમવા માટે મંજૂરી નથી આપતી જે કોઇપણ રીતે ભારતીય ક્રિકેટનો હિસ્સો હોય.