નડિયાદ : ખેડા જિલ્લામાં વર્ષ ૨૦૦૮ની બોગસ વિદ્યાસહાયક ભરતી કૌભાંડ બાદ વર્ષ ૨૦૦૯માં પણ વિદ્યાસહાયક ભરતીમાં ભ્રષ્ટાચાર અને લાગવગશાહી આચરવામાં આવી હોવાનું જગ જાહેર છે. આ મામલામાં કેટલાંય વર્ષોથી ફરિયાદો ઊઠી રહી હોવા છતાં મોડે મોડેથી જાગેલા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહીના આદેશ કરીને નિવૃત અધિકારી સામે પોલીસ ફરિયાદના નાટક કરીને સમગ્ર મામલો થાળે પાડી દેવાની તરકીબ અજમાવવામાં આવી રહી છે. કારણ કે માત્ર બોગસ ભરતી કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરીને વિકલાંગના બોગસ પ્રમાણપત્રો રજૂ કરીને નોકરી ઉપર ચડી જનાર ઉમેદવારો સામે કોઈ જ કાર્યવાહી આવી નથી. ખેડા જિલ્લામાં જાણે કે બોગસ પ્રમાણપત્રો લાવવા કે બનાવવા કાયદેસર હોય એવી હાલત જાેવા મળી રહી છે. આ બોગસ પ્રમાણપત્રો ક્યાંથી આવ્યા? કોણે બનાવ્યાં? કેટલામાં વેચાયા? જેવા સવાલોના જવાબ શોધવાને બદલે પ્રાથમિક શિક્ષણ વિભાગ આવા બોગસ શિક્ષકોને છાવરીને શું સાબિત કરવા માગે છે એ સમજાતું નથી. એક નિવૃત અધિકારીની પુત્રીને બચાવવા ખોટાં પ્રમાણપત્રોનો મામલો બાજુએ મૂકીને માત્ર બોગસ ભરતી મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેવાં આક્ષેપ પણ થયાં છે. મહેકમ કરતાં વધુ ભરતી થયેલાં પ્રાથમિક શિક્ષકોને તાત્કાલિક છૂટાં કરીને તેમની સામે સરકારને છેતરવાના આરોપસર પોલીસ ફરિયાદ કરીને અત્યાર સુધીમાં લીધેલા પગારની વસૂલાત નહિ કરીને ભવિષ્યમાં વધુ ભ્રષ્ટાચાર કરવામાં આવે તેવી છટકબારી રાખવામાં આવી રહી હોવાના આક્ષેપ પણ થયાં છે. આ મામલે અરજદારની પોલીસ ફરિયાદ લઈને જવાબદાર તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે. 

વિકલાંગના બોગસ પ્રમાણપત્રો આવ્યાં ક્યાંથી?

ખેડા જિલ્લામાં વર્ષ ૨૦૦૯ની ભરતીમાં બોગસ પ્રમાણપત્રોને આધારે નોકરી પર લાગી ગયેલાં પ્રાથમિક શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે તો બોગસ પ્રમાણપત્રો ક્યાંથી આવ્યાં તે ઉજાગર થઈ શકે તેમ છે. જાેકે, ભાજપની સરકારને રાજ્યભરમાં ચાલતા બોગસ પ્રમાણપત્રોને અટકાવવામાં કોઈ રસ હોય તેમ જાેવાં મળતું નથી.