વડોદરા, તા.૧૧ 

હરણી-વારસિયા રિંગ રોડ ઉપર આવેલ સંજયનગર ઝુંપડપટ્ટીને ખસેડયા બાદ રહીશોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે નવા મકાનો ઝડપથી આપવાના વચન પાલિકાના સત્તાધીશોએ આપ્યા હતા અને ત્યાં સુધી ભાડું આપવાનું પરિવારોને વચન અપાયું હતું પરંતુ ત્રણ વર્ષ સુધી હજુ મકાનો બન્યા નથી અને છેલ્લાં છ મહિનાથી ગરીબ પરિવારોને ભાડું પણ અપાયું નથી, ત્યારે સામાજિક કાર્યકર પ્રભુભાઈ સોલંકીની આગેવાનીમાં ૧૫ દિવસથી જાેરદાર વિરોધ-પ્રદર્શનના વિવિધ કાર્યક્રમો અને આંદોલન ચલાવાઈ રહ્યા છે. આજે વિસ્તારના કોર્પોરેટર અને ભાજપાના અગ્રણીઓએ મહિલાઓએ રણચંડી બની એમની ઓફિસમાં જઈ બંગડીઓ ભેટ આપી હતી.

છેલ્લાં ત્રણ વર્ષથી વિસ્થાપિત થયેલી સંજયનગર ઝુંપડપટ્ટીની મહિલાઓએ વોર્ડ નં.૬ના કાઉન્સિલરને મકાનો આપવાની માગ સાથે બુકે અને આવેદનપત્ર આપ્યું હતું.

આ ઉપરાંત મહિલાઓેએ બંગડીઓની ભેટ આપીને જણાવ્યું હતું કે, તમે પુરુષમાં નથી, બંગડીઓ પહેરી લો... છેલ્લાં ૧૫ દિવસથી સંજયનગરના વિસ્થાપિતો પ્રતિક ધરણાં કરી રહ્યા છે, તે સાથે તેઓ વિવિધ કાર્યક્રમો પણ આપી રહ્યા છે. પરંતુ તંત્ર ત્રણ વર્ષ પછી પણ સંજયનગરના રહીશોનો પ્રશ્ન હલ કરવામાં ધરાર નિષ્ફળ ગયું છે. ત્રણ વર્ષથી રસ્તા ઉપર રઝળી રહેલા લોકોની ધીરજ ખૂટી ગઈ છે અને ક્યારેક ગાંધીગીરી દ્વારા તો ક્યારેક આક્રમક વલણ અપનાવીને આંદોલનને આગળ ધપાવી રહ્યા છે. આજે વોર્ડ નં.૬ના ભાજપાના કાઉન્સિલર કેતન બ્રહ્મભટ્ટના ઘરે બેઘર મહિલાઓ પહોંચી ગઈ હતી અને ગાંધીગીરી દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી.

સંજયનગર સમિતિના મહિલા પ્રમુખ સીમાબેન રાઠોડે જણાવ્યું હતું કે, આજે સંજયનગર ઝુંપડપટ્ટીની મહિલાઓ અમારા વોર્ડ નં.૬ના ભાજપાના કાઉન્સિલર અને પાલિકાના નેતા કેતન બ્રહ્મભટ્ટના ઘરે ગયા હતા અને તેમના ઘરે વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમે તેઓને બુકે આપીને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં બેઘર કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત અન્ય મહિલાઓ દ્વારા બંગડીઓની ભેટ આપવામાં આવી છે અને તેઓને કહ્યું કે, તમે બંગડીઓ પહેરી લો..., તમે પુરુષમાં નથી. ભાજપા કાઉન્સિલર કેતન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સંજયનગર ઝુંપડપટ્ટી મારા વોર્ડ વિસ્તારમાં આવે છે, જ્યાં કાંસ અને સરકારી જમીન હોવાથી ઝુંપડાઓ દૂર કરવામાં આવ્યા હતા. તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો મળે તેવા હેતુથી ઝુંપડાઓ દૂર કરવામાં આવ્યા હતા. જાે કે, તેઓને મકાન આપવામાં મોડું થયું છે અને ભાડું પણ મળ્યું નથી. તેઓને ઝડપથી મકાન મળે અને નિયમિત ભાડું મળે તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. તેઓને હવે બાકી ભાડું મળવાની પણ શરૂઆત થઈ ગઈ છે. બીજી તરફ આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવી જુદાજુદા આશ્ચર્યજનક કાર્યક્રમો અપાશે એમ આંદોલનકારીના અગ્રણી પ્રભુભાઈ સોલંકીએ જણાવ્યું છે.