રાજકોટ-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેક કમિટીના ઈન્સ્પેકશન પૂરું થયા પછી હવે પરિક્ષાની તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે. ગુરુવારે શરૂ થનારી પરીક્ષામાં 24,926 વિદ્યાર્થીઓ ભાગ લેશે. ચૂંટણીને કારણે બીએ, બીકોમની પરિક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે. 85 જેટલા સેન્ટરોમાં પરિક્ષાનું આયોજન કરાશે તો 70 જેટલા ઓબ્ઝર્વર ફરજ બજાવશે.

કોરોનાની મહામારી વચ્ચે 25 ફેબ્રુઆરીને ગુરુવારથી બીસીએ, બીજેએમસી, બીબીએ, પીજીડીસીએ સહિતની 52 પરિક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. કોરોનાને પગલે સરકારી ગાઈડલાઈન્સને ધ્યાને લઈને તમામ સેન્ટરો પર વ્યવસ્થા રાખવામાં આવશે. તો બેઠક વ્યવસ્થા પણ એક બેન્ચમાં 2 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી હશે. બીએસસીમાં સેમેસ્ટર 1માં સૌથી વધુ 6587 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. જ્યારે બીસીએમાં 4774, બીબીએમાં 4664, એમએમાં 3194 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. 24,926 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. હાલમાં કોરોનાને ધ્યાને લઈને પરીક્ષા સેન્ટર પર સેનેટાઈઝર સહિતની તમામ સુવિધા રાખવામાં આવશે. 70 જેટલા ઓબ્ઝર્વરને નિગરાનીની ફરજ આપવામાં આવશે. હાલમાં ચૂંટણીના માહોલ વચ્ચે બીકોમ, બીએ સેમેસ્ટર 1ની પરિક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરિક્ષા માર્ચમાં લેવાય તેવી શક્યતા છે.