રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેર પી.સી.જાેષીએ ન્યારી ડેમમાં ઝંપલાવી કરેલા આપઘાત પ્રકરણમાં પોલીસ તપાસ સામે અનેક પ્રશ્નો ઉઠ્‌યા છે. મૃતકના પત્ની મીલીબેને જણાવ્યું હતું કે, ‘તેમના પતિએ કોન્ટ્રાક્ટર અને ઉપરી અધિકારીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો, પોલીસે કોન્ટ્રાક્ટર પેઢીના બે કર્મચારી સામે ગુનો નોંધ્યો હતો પરંતુ ફરિયાદ નોંધાવતી વખતે સિટી એન્જિનિયર વાય.કે.ગોસ્વામીનું નામ આપ્યું હતું છતાં પોલીસે તેમનું નામ આરોપી તરીકે નોંધ્યું નહોતું.’ ઘટનાને એક મહિનો વિતી જવા છતાં પોલીસે આ મામલે મનપાના જવાબદાર અધિકારી સામે કોઇ કાર્યવાહી નહી કરતાં પોલીસ તપાસ સામે અનેક સવાલો ઉઠ્‌યા છે.આ મામલે મીલીબેન જાેષીએ જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે બપોરના સમયે તેમના પતિ જમવા આવ્યા હતા ત્યારે પણ તેમના પર સતત ફોન આવતા હતા અને તેઓ ચિંતામાં દેખાતા હતા, આ અંગે તત્કાલીન સમયે તેમને પૂછતાં કોન્ટ્રાક્ટર અને અધિકારી વચ્ચેની લડાઇમાં પોતે પિસાઇ રહ્યાનું કહ્યું હતું, જાેકે ઘરેથી નીકળ્યા બાદ તેમની લાશ મળ્યાના સમાચાર અમને મળ્યા હતા. તા.૪ જાન્યુઆરીના ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે મધુરમ કન્સ્ટ્રક્શનના હાર્દિક અને મયૂરના નામ ઉપરાંત સિટી એન્જિનિયર વાય.કે.ગોસ્વામીનું પણ આરોપી તરીકે નામ આપ્યું હતું, પરંતુ પોલીસે ફરિયાદ નોંધતી વખતે જ વાય.કે.ગોસ્વામીનું નામ નોંધ્યું નહોતું. ​​​​​​​ઇજનેરના આપઘાતમાં પોલીસે મનપાના ડે.ઇજનેર જતીન પંડ્યાને નોટિસ ફટકારી છે અને તેમાં તેમની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો છે પરંતુ પોલીસ હજુ સુધી સિટી ઇજનેર વાય.કે.ગોસ્વામીને ક્લીનચીટ આપી રહી છે, ફરિયાદીએ જ્યારે ફરિયાદ વખતે જ વાય.કે.ગોસ્વામીનું નામ આપ્યું હતું તેમ છતાં પોલીસે તેનું નામ નહીં નોંધીને ડે. ઇજનેર પંડ્યા સુધી તપાસ કરી મામલો પૂરો કરવા ખેલ શરૂ કર્યો છે.