આણંદ : ધી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ. અમૂલ ડેરી ખાતે તા.૨૯ના રોજ ચૂંટણી યોજાવાની છે. મતદાન માટે મોટી સંખ્યામાં મતદારો વાહનો લઈને આવે એવી શક્યતા છે. ટ્રાફિકને લગતી સમસ્યા ઊભી થવાની સંભાવનાઓને જાેતાં ટ્રાફિક નિયમન માટે આણંદ શહેરના અમુક માર્ગોને ડાયવર્ટ કરવામાં આવ્યાં છે. તા.૨૯ના રોજ સવારના ૬ કલાકથી સાંજના ૬ કલાક સુધી વાહનોની અવર જવર માટે અમૂક રોડ સંપૂર્ણ બંધ રાખવા તેમજ નીચે મુજબ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.સી. ઠાકોરે જાહેરનામું બહાર પાડીને હુકમ કર્યો છે. તદ્દઅનુસાર ચિખોદરા ચોકડી, ગણેશ ચોકડી થઈ જૂનાં બસ સ્ટેન્ડ તરફ જતાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેનાં વૈકલ્પિક રસ્તા તરીકે બોરસદ ચોકડીથી લોટીયા ભાગોળ, બળીયાદેવ ચોકડી, વ્યાયામશાળા, શાસ્ત્રી મેદાન, ગુરૂદ્વારા સર્કલ શાક માર્કેટ થઈ જૂનાં બસ સ્ટેન્ડ તરફના માર્ગનો ઉપયોગ કરી શકાશે. આણંદના જૂનાં બસ સ્ટેન્ડથી ગણેશ ચોકડી, ચિખોદરા ચોકડી તરફ જતાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ હોવાથી હોવાથી વૈકલ્પિક રસ્તા તરીકે શાક માર્કેટ, ગુરૂદ્વારા સર્કલ, શાસ્ત્રી મેદાન, વ્યાયામશાળા, લોટીયા ભાગોળ, બળીયાદેવ ચાર રસ્તા, બોરસદ ચોકડી, ચિખોદરા ચોકડી થઈને જઈ શકાશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.