વડોદરા : શહેરના ન્યુ વીઆઈપી રોડ પર ખોડિયારનગર પાસે દિનદહાડે જ્વેલર્સની આંખમાં મરચાંની ભૂકી નાખી રૂા.૧.૩૦ લાખની કિંમતની સોનાની બે ચેઈન લૂંટી લેવાનો બનાવ બન્યો છે. જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાપોદ પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી લુંટારુઓની શોધખોળ હાથ ધરી છે. મહત્ત્વની વાત એ છે કે લૂંટની આખી ઘટના દુકાનમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બાપોદ પોલીસ સ્ટેશનની હદના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા વલ્લભ જ્વેલર્સમાં આજે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ લૂંટની ઘટના બની હતી. જેમાં જ્વેલર્સ શોપના માલિક ગ્રાહકને સોનાની ચેઇન બતાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક એક શખ્સ દુકાનમાં ધસી આવ્યો હતો અને દુકાનમાલિક કંઇ સમજે તે પહેલાં જ તેમની આંખમાં મરચાંની ભૂકી નાખી ડિસ્પ્લેમાં મુકેલી અંદાજિત ૩૦ ગ્રામ સોનાની ત્રણ ચેઇનો લૂંટી ફરાર થઇ ગયો હતો. વધુમાં જ્વેલર્સ શોપમાં લૂંટ કરનાર શખ્સ એકલો ન હતો, તેની સાથે તેનો એક સાગરિત પણ હતો, જે દુકાનની બહાર બાઇક લઇને ઊભો હતો. દુકાનમાંથી ત્રણ ચેઇન લૂંટ્યા બાદ બંને શખ્સો બાઇક પર ફરાર થઇ ગયા હતા. જાે કે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઇ હતી. જેથી પોલીસે સીસીટીવી કેમેરાના આધારે લુંટારુંઓની શોધખોળ હાથ ધરી છે અને વહેલીતકે લુંટારું પોલીસના સકંજામાં હશે તેવું પણ ડીસીપી ઝોન-૨ લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું.