દિલ્હી-

મોદી સરકાર પોતાના વિનિવેશ કાર્યક્રમને સતત આગળ વધારી રહી છે. ભારતીય ઉદ્યોગ પરિસંઘની વાર્ષિક બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન નાણાં મંત્રી ર્નિમલા સીતારામણે સરકારી કંપનીઓના પ્રાઈવેટાઈઝેશનની પૃષ્ટિ કરી હતી. ર્નિમલા સીતારામણે દેશના ઉદ્યોગપતિઓને વિશ્વાસ અપાવ્યો હતો કે, સરકાર આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે દરેક જરૂરી પગલા ભરવા માટે તૈયાર છે.

ર્નિમલા સીતારામણે જણાવ્યું કે, કોવિડ કાળમાં પણ મોદી સરકારે સુધાર કાર્યક્રમો ચાલુ રાખ્યા છે. અર્થતંત્રને આગળ વધારવા જે યોગ્ય લાગ્યું તે કરવામાં આવ્યું અને તેના અનુસંધાને અનેક કાયદામાં ફેરફાર થયો. કૃષિ કાયદો આવ્યો, ફેક્ટરી, શ્રમ, મધ્યસ્થતા, દેવાળિયા કાયદામાં સંશોધન કરવામાં આવ્યા. પાછલી તારીખથી લાગતા ટેક્સ ખતમ કરવામાં આવ્યા.આ ઉપરાંત તેમણે સરકારી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ અને અન્ય સરકારી કંપનીઓના પ્રાઈવેટાઈઝેશન માટે ભરવામાં આવેલા પગલાની વાત પણ કરી હતી. ડીઆઇપીએએમના સેક્રેટરી તુહિન કાંત પાંડેએ જણાવ્યું કે, એર ઈન્ડિયા, ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ)નું પ્રાઈવેટાઈઝેશન આ વર્ષે જ થઈ જશે. તે સિવાય શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એસસીઆઈ), ભારત અર્થ મૂવર્સ પ્રાઈવેટ લિ. (બીઈએમએલ), પવન હેન્સ અને નીલાચલ ઈસ્પાત નિગમ લિ.ના પ્રાઈવેટાઈઝેશનને લઈ બિડર્સે દિલચસ્પી દેખાડી છે.