દિલ્હી-

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પાર્ટીના નેતાઓ સાથેની બેઠક પૂર્ણ થઈ છે. સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથ ખાતે યોજાયેલી બેઠકમાં 20 પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. આમાં પાર્ટીને મજબૂત કરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે પાર્ટીના 20 નેતાઓએ લગભગ 5 કલાક સુધી બેઠક યોજી હતી. પાર્ટીની મજબૂતાઈ માટે તમામ નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા.

સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું, 'અમે પાર્ટીના ભાવિ અંગે ચર્ચા કરી. તે રચનાત્મક બેઠક હતી જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત વરિષ્ઠ નેતાઓએ પક્ષની વર્તમાન સ્થિતિ અને તેને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. સોનિયાના નિવાસસ્થાન 10 જનપથ ખાતે ચાલી રહેલી આ બેઠકમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, મનીષ તિવારી, શશી થરૂર અને અન્ય ઘણા નેતાઓ શામેલ છે. આ નેતાઓ પત્ર લખનારા 23 નેતાઓમાં હતા. મળતી માહિતી અનુસાર સોનિયા ગાંધી સાથે આ નેતાઓની બેઠકની ભૂમિકા તૈયાર કરવામાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની મહત્વપૂર્ણ ભૂમિકા છે. કમલનાથે થોડા દિવસો પહેલા સોનિયાને મળ્યા હતા. 

સૂત્રો પરથી એમ પણ જાણવા મળે છે કે સોનિયા ગાંધી સાથે આ નેતાઓની બેઠક બાદ સુલેહનો અવકાશ વધી શકે છે. શુક્રવારે આ બેઠકના એક દિવસ પહેલા પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે કોંગ્રેસના 99.99 ટકા નેતાઓ અને કાર્યકરોને એવી લાગણી છે કે રાહુલ ગાંધી ફરી એકવાર પાર્ટીનું નેતૃત્વ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સોનિયા સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક દરમિયાન સંગઠન સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.