આણંદ : આણંદ જિલ્લામાં હાલમાં રવિ સીઝન મધ્ય અવસ્થામાં પહોંચી છે. સીઝનના અંત સુધીમાં જિલ્લામાં ૧.૭૨ લાખ હેક્ટરમાં શિયાળંુ પાકનું વાવેતર પૂર્ણ થયું છે. સૌથી વધુ ઘઉંની ૫૮.૩૧૩ હેક્ટરમાં અને સૌથી ઓછી જુવારની માત્ર ૬ હેક્ટરમાં વાવણી થઈ છે. જાેકે, આણંદ જિલ્લામાં ખેડૂતો તમાકુ પાક સિવાય ધાન્ય, કઠોળ, શાકભાજી, તેલિબિયા, ફળ-ફૂલ, ઘાસચારાનું પણ સમયાંતરે વાવેતર કરે છે. ચાલુ સીઝનમાં સમયાંતરે વાદળછાયો માહોલ, માવઠું તેમજ ઠંડીના પલટાતાં પ્રવાહને લઈને પાકની ઉત્પાદન ક્ષમતા ઉપર વિપરિત અસર પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

આણંદ જિલ્લામાં ચાલુ વર્ષની સીઝનમાં જિલ્લામાં ૧,૭૨,૭૬૫ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર હાથ ધરવામાં આવ્યું છે. આ પાકોમાં ઘઉં ૫૮૩૧૩ હેક્ટરમાં, મકાઈ ૨૫ હેક્ટર, રાજગરો ૨૦૯ હેક્ટર, ચણા ૫૫૨૩ હેક્ટર, રાઈ ૧૬ હેક્ટર, દિવેલા ૫૧ હેક્ટર, તમાકુ ૫૭૬૪૪ હેક્ટર, બટાટા ૧૬૮૭ હેક્ટર, શાકભાજી ૨૯૩૨૧ હેક્ટર, ઘાસચારો ૧૮,૪૫૩ હેક્ટર અને ચિકોરીનું ૮૫૭ હેક્ટરમાં વાવેતર કરાયું છે. જાેકે, જિલ્લાના ૨ લાખ હેક્ટર ઉપરાંતનો વાવેતર વિસ્તાર ધરાવતી જમીનમાં ૧.૭૨ લાખ હેક્ટર વિસ્તારમાં શિયાળુ પાકનું વાવેતર થયંુ હોવા છતાં સીઝન દરમિયાન સમયાંતરે વાદળછાયા માહોલ, કમોસમી વરસાદ તેમજ ઉત્તર તરફથી સતત ફૂંકાતા ઠંડા પવનો, ઠંડીનો બદલાતો મિજાજને લઈને પાકમાં વધતું-ઓછું નુકસાન પહોંચ્યું છે. પરિણામે અપેક્ષા કરતાં ઓછો ઊતારો આવે તેવી શક્યતાઓ પણ કૃષિતજજ્ઞો સેવી રહ્યાં છે.

સૂત્રોનું કહેવું છે કે, ચરોતરમાં હાલમાં શિયાળું પાકની સીઝન મધ્યાવસ્થાએ છે. રવિ પાકમાં પિયત માટે મહિ કેનાલોની મેઈન બ્રાન્ચ, નડિયાદ બ્રાન્ચ તેમજ રાસ્કા વિયર મારફતે અમદાવાદ જિલ્લામાં પહોંચાડવા માટે શેઢી શાખામાં મળી દૈનિક ૩૩૦૦ ક્યૂસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. જાેકે, રવિ પાકનો ગાળો માર્ચ સુધી ચાલતો હોવાથી સીઝનના અંત સુધી પાણી છોડવાનો તંત્ર દ્વારા ર્નિણય લેવાયો હોવાનું જાણવા મળે છે. કેટલાંક પાકોમાં અંતિમ અવસ્થા સુધી પિયતની અનિવાર્યતા વર્તાઈ રહેતી હોવાથી નહેરની સુવિધા ન ધરાવતાં વિસ્તારના ખેડૂતો કૂવા, તળાવ આધારિત સિંચાઈથી પાણી મેળવીને જરૂરિયાત પૂર્ણ કરે છે.

હાલમાં શિયાળું પાક માટે મહિ કેનાલોમાં દૈનિક જુદી-જુદી ક્ષમતામાં પાણી છોડવાનું શરૂ કરાયું છે, જેમા આણંદ-ખંભાત મેઈન બ્રાન્ચ ૬૦૦ ક્યૂસેક, નડિયાદ શાખામાં ૧૯૦૦ ક્યૂસેક અને અન્ય મળી ૩૩૦૦ ક્યૂસેક પાણીનો દૈનિક જથ્થો વહેતો કરાયો છે. આગામી દિવસોમાં ખેડૂતોની માગણી અને જરૂરિયાતને ધ્યાને લઈને રવિ પાકની મોસમ પૂર્ણ થાય ત્યાં સુધી પાણી છોડવામાં આવશે.