ગાંધીનગર-

ગાંધીનગરના કલોલ કોરટમાં ભરણપોષણના મામલે કેસ દાખલ થયો હતો. જે અંગે પતિ પત્નીને ભરણપોષણ પેટેના રૂપિયા ચૂકવતો ન હતો. જેથી કોર્ટ દ્વારા પતિ સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે ભરણપોષણના 76 હજાર રૂપિયા ભરવાનો ઈનકાર કરનારા પતિને જેલની સજા ફટકારી છે. આમ પોતાની આઠ વર્ષની દીકરી અને પત્નીને ભરણપોષણ ચૂકવવાની પતિ દ્વારા ના પાડી દેવા આવી હતી. આથી આ કિસ્સામાં કલોલ દ્વારા કોર્ટ દ્વારા એક સીમાચિહ્નરૂપ ચૂકાદો આપ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કલોલના પલસાણામાં રહેતા અનિતાબેનના લગ્ન કડી તાલુકાના ધુમાસણ ગામમાં રહેતા ગોપાળભાઈના સાથે સમાજના રીત-રિવાજ પ્રમાણે થયા હતા. લગ્ન જીવન દરમિયાન આ બન્નેની એક દીકરી છે જેની ઉંમર 8 વર્ષ છે. લગ્ન થયા બાદ અણબન થવાના કારણે પતિ-પત્ની બંને છૂટા પડ્યા હતા. આ દરમિયાનમાં કલોલ કોર્ટ દ્વારા પતિને ભરણપોષણ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટે નક્કી કરાયેલી રકમ ઘણાં મહિનાઓ સુધી પતિ દ્વારા ભરપાઈ કરવામાં આવી ન હતી. જેના કારણે ભરણપોષણ પેટેની કુલ રકમ વધીને 76 હજાર રૂપિયા થઈ ગઈ હતી. અરજદાર મહિલાને પતિ તરફથી ભરણપોષણની રકમ ન મળતાં એક તરફ આર્થિક સંકડામણ અને બીજી તરફ કોરોનાના કહેર વચ્ચે જીવન જીવવું મુશ્કેલ બન્યું હતું. આથી અરજદાર મહિલાએ પોતાનું તથા દીકરીનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડતાં કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ મામલે કલોલ કોર્ટે અરજદાર અનિતાબેનની વ્યથા સાંભળીને ભરણપોષણ પેટેની રૂપિયા 76 હજારની રકમ ચૂકવવાની ના આપનાર પતિ ગોપાળભાઈ પ્રજાપતિને 375 દિવસની જેલની સજા સંભળાવી હતી.