વડોદરા, તા.૨૪

વડોદરા કોર્પોરેશન દ્વારા દૂષિત પાણીની સમસ્યાના નિરાકરણ માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. પરંતુ તેમ છતાં ફરિયાદો વધી રહી છે અને સામે તેનું નિરાકરણની સંખ્યા ઘણી ઓછી છે. ફતેગંજ રાણાવાસમાં છેલ્લા કેટલાક મહિનાથી દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ પાલિકાતંત્રની સામે રોષ વ્યક્ત કરીને દેખાવો યોજ્યા હતા.શહેરના અનેક વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી નહીં મળવાની તેમજ દૂષિત પાણીની સમસ્યા યથાવત્‌ છે. કોર્પોરેશન દ્વારા પાણીના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે, તેમ છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં મોરચાઓ યથાવત્‌ રહ્યા છે. ફતેગંજ રાણાવાસમાં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા છે. કોર્પોરેશન દ્વારા આ માટે ખાડા ખોદીને કામગીરી પણ શરૂ કરાઈ છે પરંતુ ફોલ્ટ નહીં મળતાં દૂષિત પાણીની સમસ્યા યથાવત્‌ રહેતાં રોષે ભરાયેલા રહીશોએ દૂષિત પાણીની બોટલો સાથે પાલિકા સામે સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યા હતા.