વડોદરા : ભાજપાના નેતાઓના ત્રાસથી પાલિકાના વહીવટી વડા મ્યુનિ. કમિશનર વધુ એક વખત કાર્યકાળ પૂર્વે જ વડોદરાને અલવિદા કરે તેવી સ્થિતિ વચ્ચે મ્યુનિ. કમિશનરે બદલીની માગણી કરી હતી. ત્યારે રાજ્ય સરકારે આજે રાજ્યની ર૬ સનદી અધિકારીઓની કરાયેલી બદલીઓમાં વડોદરાના કમિશનરની ગાંધીનગર સચિવાલય ખાતે રેવન્યૂ વિભાગમાં બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને વડોદરાના કલેકટર શાલિની અગ્રવાલની નિયુક્તિ કરવામાં આવી છે.

વડોદરા પાલિકાના અનેક કમિશનર તેમનો કાર્યકાળ પૂરો કર્યા પહેલાં જ બદલી માગી હોય કે કરાયાના કિસ્સાઓ બન્યા છે. ત્યારે વર્તમાન કમિશનર પી.સ્વરૂપ પણ તેમનો કાર્યકાળ પૂર્વે જ વડોદરાને અલવિદા કરે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. સત્તાધારી પક્ષના વડા દ્વારા પાલિકાના વહીવટી વડા સામે વિરોધી સૂર ઉપાડવા માટે તેમના સભાસદોને કરાયેલ આદેશનો પડઘો હોવાનું કહેવાય છે. મ્યુનિ. કમિશનર પી.સ્વરૂપે ભાજપાના નેતાઓના ત્રાસથી વડોદરાથી બદલી કરાવવા માટે છેલ્લાં કેટલાંક દિવસથી પ્રયત્નશીલ થયા હોવાનું તેમજ ભાજપાના આંતરિક જૂથબંધીથી ત્રસ્ત થઈ બદલીની માગણી કરી હોવાનું છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઈ રહ્યું હતું.

ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ર૬ વરિષ્ઠ સનદી અધિકારીઓની કરાયેલી બદલીના આદેશોમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરના કમિશનર પી.સ્વરૂપની બદલી કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ એન્ડ એક્સ ઓફિશિયો સેક્રેટરી ટુ રેવન્યૂ વિભાગ સચિવાલય ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. આમ પાલિકાના કમિશનરપદે એક સવા વર્ષમાં જ બદલી કરાઈ છે. મ્યુનિ. કમિશનરની બદલી થતાં તેમના સ્થાને જિલ્લા કલેકટર તરીકે હાલ ફરજ બજાવતા શાલિની અગ્રવાલની નવા મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શાલિની અગ્રવાલ આ પૂર્વે મ્યુનિ. કમિશનર તરીકેનો ચાર્જ પાલિકામાં સંભાળી ચૂકયા છે. જ્યારે વડોદરામાં આવેલા પૂરના સમયે પણ તેમણે શ્રેષ્ઠ કામગીરી કરી હતી. આમ તેઓ શહેરની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નોના જાણકાર છે.