વડોદરા, ગઈકાલે સવારથી શરૂ થયેલી તાઉ-તે વાવાઝોડાની અસરે રાત્રિ થતાં ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું અને પ૯ કિ.મી.ની ઝડપે શહેર-જિલ્લામાં પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. બપોરે ૧૨ વાગે વાવાઝોડાના ભારે પવન સાથે વરસાદ પણ પડવાનો શરૂ થયો હતો. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. બપોરથી શરૂ થયેલા વરસાદે મોડી રાત સુધી વિરામ લીધો ન હતો. હવામાન વિભાગે બુધવાર સાંજ સુધી વાવાઝોડાની અસર રહેવાની હોવાનું જણાવ્યું છે ત્યારે સરકારના જુદા જુદા વિભાગોએ વાવાઝોડાને પગલે અને વરસાદથી ઊભી થયેલી તારાજી દૂર કરવા દિવસભર દોડધામ કરી જહેમત ઉઠાવી હતી.

જ્યારે બીજી તરફ પ્રથમ વરસાદની રાહ જાેતાં હોય એમ કેટલાક શોખીનો કોરોનાની ભયંકર મહામારીને કારણે મોતને ભેટેલાઓનો મલાજાે ભૂલી અને પોતાની પણ કાળજી રાખ્યા વગર સોશિયલ ડિસ્ટન્સ ભૂલી વરસાદી માહોલની મજા માણવા નીકળી પડયા હતા. શહેરમાં મિનિ લૉકડાઉન હોવાથી ભજિયાંની જયાફત માણવા સિંધરોટ પહોંચેલા શોખીનોને દુકાનો-હોટેલોના છાપરાં અને તંબુ ઊડી જતાં નિરાશ થઈ પરત ફરવું પડયું હતું.

શહેર અને જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની અસર જાેવા મળી રહી છે. વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. વડોદરામાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ શરૂ થતાં રાવપુરા, માંડવી, કારેલીબાગ, અલકાપુરી અને માંજલપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. આ ઉપરાંત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા અલકાપુરી ગરનાળામાં પણ પાણી ભરાઇ ગયાં હતાં. જિલ્લા કલેક્ટરે તંત્રને એલર્ટ કરી દીધું છે. બીજી તરફ તાઉ-તે વાવાઝોડાના પગલે પાણી વિતરણના સ્ત્રોત ઉપર વીજ પુરવઠો ખોરવવાની શક્યતાને પગલે નગરજનોને બે દિવસ પાણીનો બચાવ કરવા પાલિકાએ અપીલ કરી છે.શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થતાં સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં પાદરામાં ૫૫ મિ.મી., કરજણમાં ૫૩ મિ.મી., ડભોઇમાં ૧૯ મિ.મી., વાઘોડિયામાં ૦૫ મિ.મી., સાવલીમાં ૨૮ મિ.મી. અને શિનોરમાં ૧૦ મિ.મી. વરસાદ વરસ્યો છે.વડોદરા જિલ્લા નિયંત્રણકક્ષ દ્વારા સતત પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે જિલ્લાના વિવિધ તાલુકામાં હાલમાં પવનની ગતિની વિગતો મેળવવામાં આવી હતી. સવારના ૯ વાગ્યાની આસપાસ મોટાભાગના તાલુકાઓમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયાં હતાં. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં તાઉ-તે વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. જેથી બહાદરપુર ગામના સ્ટેશન ફળિયામાં જાબુંનું વિશાળ ઝાડ લાઇટના થાંભલા પર પડતા લાઇટનો થાંભલો તૂટી ગયો હતો. જેને પગલે ૧૦૦ જેટલા ઘરની વીજળી ડૂલ થઈ ગઇ હતી. ગ્રામ પંચાયત સભ્ય ભૌમિક દેસાઈએ જણાવ્યું હતું કે, લાઈટનો થાંભલો તૂટવાના કારણે આશરે ૧૦૦ જેટલા ઘરની લાઈટો જતી રહી છે. ભારે પવન ફૂંકાતા જાબુંનું ઝાડ લાઈટના થાંભલા ઉપર પડતાં લાઈટનો થાંભલો

તૂટ્યો હતો.

શહેર અને જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના પ્રભાવથી વરસાદ થવાની અને વેગીલા પવનો ફૂંકાવાની શક્યતા છે તેને અનુલક્ષીને તકેદારી અને અગ્રિમ આયોજનના ભાગરૂપે અટલાદરા સત્સંગ સ્થળ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના ૧૪૫ કોવિડ દર્દીઓને તબક્કાવાર અને પૂરતી સાવચેતી સાથે ગોત્રી અને સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે સોમવારની મધ્યરાત્રિએ વીડિયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈન અને આરોગ્ય અધિકારીઓની ટીમે વિવિધ માહિતીઓ આપી હતી. તે લગભગ એક કલાક ચાલી હતી અને ખાસ કરીને કોવિડ કેર સેન્ટરોમાં સારવાર હેઠળના દર્દીઓની દેખભાળની વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. તે પછી આરોગ્ય અધિકારીઓએ તલાટીઓ અને સ્ટાફની ઉપસ્થિતિની ખાતરી કરી હતી.વડોદરા ખાતેના જિલ્લા નિયંત્રણ કક્ષ અને તાલુકાઓના નિયંત્રણ કક્ષ સતત બીજા દિવસે રાત આખી ધમધમતા રહ્યા હતાં. અધિકારીઓએ સતત જિલ્લા નિયંત્રણ કક્ષ સાથે સંપર્ક જાળવ્યો હતો. મોટેભાગે ચોમાસામાં ભારે વરસાદના સંજાેગોમાં આ સ્થિતિ ઊભી થતી હોય છે. પહેલીવાર તાઉ-તે વાવાઝોડાને પગલે ચોમાસા પૂર્વે આ સ્થિતિ ઊભી થઇ છે. તાઉ-તે વાવાઝોડાના અનિચ્છનીય પ્રભાવની સંભાવના સામે લોકોના જાનમાલની સલામતી માટે જિલ્લા કલેક્ટરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર લગભગ છેલ્લા ૭૨ કલાકથી કાર્યરત છે. સતત બીજા દિવસે તમામ તાલુકા નિયંત્રણકક્ષોને રાત્રિ જાગરણ કરીને સતત તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને નિવાસી અધિક કલેક્ટર દિલીપ પટેલે સંબંધિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને જે તે તાલુકા માટે નીમવામાં આવેલા નાયબ કલેકટર કક્ષાના લાયઝન અધિકારીઓને આજે રાત્રે તેમના તાલુકાના નિયંત્રણ કક્ષ ખાતે રહેવા સૂચના આપી હતી.

શહેર - જિલ્લામાં કયાં કેટલો વરસાદ

વડોદરા શહેર – જીલ્લામાં તૌકતે ચક્રવાતને કારણે સોમવારથી જ વાદળછાયુ વાતાવરણ જાેવા મળ્યુ હતું. જાેકે નવ વાગ્યા બાદ ઘીમીધારે વરસાદ પણ જાેવા મળ્યો હતો.જ્યારે મંગળવારે બપોરે બાર વાગ્યા બાદ તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે ઓછા વધતા પ્રમાણમાં મોડી રાત સુધી ચાલુ જાેવા મળ્યો હતો. જીલ્લા નિયંત્રણ કક્ષ તરફથી મળતી માહીતી મુજબ સાંજે ૮ વાગ્યા સુધીમાં કરજણમાં ૫૭,ડભોઈમાં ૬,ડેસરમાં ૨૨,પાદરામાં ૭૧.૫,વડોદરામાં ૬૭, વાધોડીયામાં ૨૩,સાવલીમાં ૩૩ અને શિનોરમાં ૧૪ મીલીમિટર વરસાદ નોંધાયો હતો.