વડોદરા, તા.૧ 

છેલ્લા ચાર વર્ષથી માનસિક રોગની બીમારીથી પીડાતી સુખી-સંપન્ન શાહ પરિવારની પરિણીતાએ આજે તેમના બેડરૂમમાં બારીની ગ્રીલ સાથે ઓઢણી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ આપઘાતના દૃશ્યો જાઈને પરિવારના સભ્યો સ્તબ્ધ બની ગયા હતા અને ગમગીની સાથે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આપઘાતના બનાવની જાણ બાપોદ પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાએ આપઘાત પૂર્વે લખેલ ચિઠ્ઠી મળી આવી હતી, જે પોલીસે કબજે લીધી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. હોસ્પિટલના માહિતગાર સૂત્રોના અનુસાર આ બનાવની વિગત એવી છે કે આજવા રોડ સ્થિત આવેલ ડ્રીમવિલા સોસાયટીમાં હિરેનભાઈ પ્રવીણભાઈ શાહ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ લેબર કોન્ટ્રાકટર તરીકેનો વ્યવસાય કરતા હોવાથી આર્થિક રીતે સુખી-સંપન્ન હતા. તેમના પત્ની પ્રીતિબેન શાહ (ઉં.વ.૪૦) છેલ્લા ચાર વર્ષથી માનસિક રોગથી પીડાતા હતા. જા કે, પ્રીતિબેનની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં માનસિક રોગની સારવાર ચાલતી હતી. પરંતુ કોઈક કાઈક વાર માનસિક રોગના આવેશમાં મગજ ઉપર કાબૂ ગુમાવી દેતાં હતાં.પ્રીતિબેન છેલ્લા ચાર દિવસથી ઘરમાં ગુમસુમ ફર્યા કરતાં હતાં એ દરમિયાન ગઈકાલે સાંજના સમયે તેણીની પોતાના બેડરૂમમાં ગયાં હતાં તે બાદ કલાકો સુધી રૂમની બહાર આવ્યાં નહોતાં. તેણીએ માનસિક તણાવના આવેશમાં ચિઠ્ઠી લખીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ તેમની બેડરૂમનો દરવાજા ખોલીને જાતાં પ્રીતિબેન ગળાફાંસો ખાધેલી હાલતમાં નજરે પડયાં હતાં. આ બનાવને પગલે શાહ પરિવાર શોકની લાગણીમાં સરી પડયો હતો. આ બનાવની જાણ બાપોદ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ બનાવના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ દરમિયાન રૂમમાંથી પ્રીતિબેને લખેલ અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં તેણીએ પરિવારના કોઈપણ સભ્ય પર આરોપ લગાવ્યા વગર જ પોતાની જાતે જ આ પગલું ભર્યું હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે. જા કે આપઘાતના પગલાંના રહસ્યના વમળો સર્જાનાર છે.