વડોદરા, તા.૨૩

તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ, વાઘોડિયા- ડભોઇ રિંગ રોડ વગેરે વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જાે કે, વરસાદના વિરામ બાદ પણ પાણીનો નિકાલ ન થવાની સાથે ગટરો ચોકઅપ થતાં સ્થિતિ ગંભીર બની છે, ત્યારે આજે મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે ભાજપના કોર્પોરેટરોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મેયરની ઉપસ્થિતિમાં ભાજપના કોર્પોરેટરોએ ઇજનેરોનો ઉધડો લેતાં કહ્યું હતું કે ગટરના પાણીના નિકાલ માટે પંપ બંધ કરી દો છો તો એકવાર લોકોના ઘરમાં જઈને બેસો તો ખબર પડે. એક દિવસ અંદર રહો તો સ્થિતિ શું છે તેની જાણ થાય, ગમે ત્યારે પંપ બંધ કરી દો છો. વિસ્તારમાં પ્રેશર લાઈન ફાટેલી હોવાથી પમ્પિંગ બંધ કરાય છે. છેલ્લા પંદર દિવસથી આ હાલત થઈ છે. વરસાદી પાણીનો નિકાલ થતો નથી. ૫૦ ટકા પાણી ડ્રેનેજમાં જાય છે. જેના લીધે ડ્રેનેજ હંમેશા ભરાયેલી રહે છે અને ચોકઅપ થઈ જાય છે. ડ્રેનેજના પાણી રોડ પર ફરી વળે છે. પેશર લાઈનના પંપો ૧૫ દિવસમાં માંડ પાંચ દિવસ ચાલે છે. રોડ પરથી વરસાદી પાણી ઓસરતાં હવે ડ્રેનેજના પાણીની તકલીફ શરૂ થઇ છે. એક મહિલાના કહેવા મુજબ ડ્રેનેજની કાયમી તકલીફ છે.