વડોદરા,તા.૩૦  

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા કોરોનાની મહામારીને લઈને લાંબા સમયથી શુક્રવારી બજારને બંધ કરી દેવામાં આવ્યું હતું. માર્ચ માસમાં લોકડાઉનથી લઈને બંધ શુક્રવારી બજારને અનલોક થયા પછીથી પણ ત્યાં એકત્ર થતી ભીડને લઈને કોરોનાનું સંક્રમણ ફેલાવવાના ડરને લઈને બંધ રાખવામાં આવ્યું હતું. અનલોક થયા પછીથી સુક્રવારી બજારના વેપારીઓએ આ બજારમાં પાથરણા પાથરીને આપમેળે શુક્રવારી બજાર શરુ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જે તે સમયે પાલિકાના દબાણ શાખાની ટુકડીએ આવા પ્રયાસોને ધરાર નિષ્ફળ બનાવ્યા હતા. આ પછીથી દબાણ શાખા દ્વારા કાયમી રીતે દર શુક્રવારે બજારમાં વહેલી સવારથી બંદોબસ્ત ગોઠવીને પોલીસ સાથે પેટ્રોલિંગ કરીને બજાર ચાલુ કરવા દેવામાં આવ્યું નહોતું. હવે કોરોનાનું સંક્રમણ ઘટતા પાલિકાએ શુક્રવારી બજારને શરુ કરવાને માટે લીલીઝંડી આપી દેતા આજથી એ બજારનો પ્રારંભ કરી દેવાયો છે. પરંતુ એમાં કેટલાક નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે.