વડોદરા, તા.૧૯

શહેરના સમા-સાવલી રોડ પર વિશ્વામિત્રી નદી પર બનાવાયેલ વર્ષોજૂના બ્રિજની દીવાલ તૂટી પડયાનો અહેવાલ ‘લોકસત્તા-જનસત્તા’એ પ્રકાશિત કરતાં પાલિકાતંત્ર દોડતું થયું હતું. આજે સિટી એન્જિનિયર સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળમુલાકાત લઈને વરસાદી ગટરની બે વર્ષ પૂર્વે કરાયેલી કામગીરીમાં ચેમ્બરનું ધોવાણ થઈ ગયું હતું, જેના રિપેરીંગની કામગીરી તુરંત શરૂ કરાવી હતી.

સમા-સાવલી રોડ તળાવની પાસે વિશ્વામિત્રી નદી પર કોર્પોરેશન દ્વારા ફલાય ઓવરબ્રિજ બનાવાયો છે. પરંતુ અગાઉ જે રસ્તાનો ઉપયોગ થતો હતો અને રસ્તાનો ઉપયોગ આ જ રોડ પર આવેલી હોસ્પિટલ, સિદ્ધાર્થ બંગલોઝ, ઉપરાંત આસપાસ આવેલી શાળાઓની વાનચાલકો કરે છે. ત્યારે આ રોડ પરના વર્ષોજૂના બ્રિજની દીવાલને મસમોટું ગાબડું પડતાં બ્રિજ જાેખમી બન્યાનો અહેવાલ ‘લોકસત્તા-જનસત્તા’ના પ્રસિદ્ધ અહેવાલ બાદ પાલિકાતંત્ર દોડતું થયું હતું. આજે સવારે સિટી એન્જિનિયર, પાલિકાના બ્રિજ પ્રોજેકટ અને સ્માર્ટ સિટી અંતર્ગત આ સ્થળે થયેલી વરસાદી ગટર અને રોડ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને બ્રિજની દીવાલને પડેલા ગાબડાંની ચકાસણી કરી હતી. ઉપરાંત વરસાદી ગટરની કામગીરી કરનાર કોન્ટ્રાકટરને પણ સ્થળ પર બોલાવ્યા હતા. જાે કે, પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ આ સ્થળે વરસાદી ગટર બે વર્ષ પૂર્વે નાખવામાં આવી હતી. જેમાં જે ચેમ્બર હતું તે ભાગમાં ધોવાણ થયું છે, જે કામગીરી કોન્ટ્રાક્ટરને સૂચના આપી ત્વરિત શરૂ કરવામાં આવી છે તેમ કહ્યું હતું.

બ્રિજ સેફ છે, વરસાદી ગટરમાં ધોવાણ ઃ તંત્ર

કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, આ બ્રિજ ગાયકવાડી સમયનો વર્ષોજૂનો છે અને જે સ્થળે ગાબડું પડયું છે તે બ્રિજની ૩પ મીટર જેટલું દૂર છે. થોડા સમય પહેલાં વિવિધ બ્રિજીસના કરાવેલા સ્ટ્રકચર સેફટી રિપોર્ટમાં આ બ્રિજનો પણ રિપોર્ટ કરાવ્યો છે. બ્રિજ સંપૂર્ણ સેફ છે. બીજાે નવો બ્રિજ બનાવ્યો છે, જેથી આ બ્રિજ પર બે ત્રણ મહિના પહેલાં બેહિકેટીંગ કરી આ રસ્તો ભારદારી વાહનો માટે બંધ કર્યો છે.