આણંદ : આણંદ શહેર અને જિલ્લામાં આખરે કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો એક હજારને પાર કરી ગયો છે. રોજ નવાં નવાં કેસ હજુ પણ નોંધાઈ રહ્યાં છે. બુધવારે વધુ સાત પોઝિટિવ કેસ આવતાં કોરોના પોઝિટિવનો આંકડો ૧ હજારને પાર કરીને ૧૦૧૨એ પહોંચી ગયો છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાથી ૧૬ દર્દીઓનાં મોત થઈ ચૂક્યાં છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી ૬૦,૫૬૫ દર્દીઓના સેમ્પલો ટેસ્ટ કરાવ્યાં હતાં, જેમાંથી ૫૯,૫૫૩ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતો, જ્યારે ૧૦૧૨ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જાેકે, ૧૬ દર્દીઓના મોત નીપજી ચૂક્યાં છે. અત્યાર સુધી ૯૪૩એ કોરોના સામે જીત મેળવતાં અને સ્વસ્થ થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. હાલમાં જિલ્લામાં ૫૩ પોઝિટિવ દર્દીઓ કોરોનાની સારવાર વિવિધ હોસ્પિટલમાં લઈ રહ્યાં છે. આ ૫૩ દર્દીઓમાં ૩૯ દર્દીઓની હાલત સ્થિર છે, જ્યારે ૧૨ ઓક્સિજન પર છે અને બે દર્દી વેન્ટિલેટર પર છે. બુધવારે પોઝિટિવ આવેલાં દર્દીઓમાં આણંદ નજીક જહાંગીરપુરા ખાતે રહેતાં ૪૬ વર્ષીય પુરુષ, આણંદના રાજમહેલ રોડ ઉપર પાલવ બંગલોમાં રહેતાં ૪૨ વર્ષીય મહિલા, અડાસ ખાતે રહેતાં ૬૫ વર્ષીય વૃદ્ધ, નાપાડ ગામે સુલતાનપુરા ખાતે રહેતાં ૩૨ વર્ષીય યુવાન, બાકરોલના તીરથ બંગલોમાં રહેતાં ૪૧ વર્ષીય મહિલા, ડભોઉના ચરોતર રિસોર્ટમાં રહેતાં ૮૦ વર્ષીય પુરુષ અને લાંભવેલના બોરીયાવી રોડ ઉપર રહેતાં ૩૩ વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.