અરવલ્લી : વડોદરા તાલુકાના કપુરાઈ ચોકડી પાસે રહેતા વૃદ્ધા અન્ય મહિલાઓ સાથે આયશર ટ્રકમાં બેસી મહીસાગર વિસ્તારમાં આવ્યા પછી ભૂલા પડી ગયા હતા. મહીસાગર નદી નજીક વાસદ જવા ટ્રકમાં બેઠા પછી ટ્રકચાલકે અગમ્ય કારણોસર મહિલાને રવિવારે રાત્રે મોડાસા તાલુકાના ખડોદા ગામ નજીક ઉતારી દેતા વૃદ્ધા મહિલા ખડોદા ગામમાં પહોંચતા અજાણી વૃધ્ધા મહિલાને ગ્રામજનોએ સાંત્વના આપી પૂછપરછ કરી હતી જેમાં વૃદ્ધાએ ભૂલા પડ્યાનું જણાવતા ૧૮૧ અભયમ હેલ્પ લાઈનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વડોદરાના કપુરાઇ ચોકડી નજીક રહેતા નિરાધાર વૃદ્ધા ગંગાબેન ચંદુભાઈ રાવળ રવિવારે અન્ય લોકો સાથે મહીસાગર પ્રવાસે પહોંચ્યા હતા. મહીસાગર નદી નજીક ભૂલા પડતા તેઓ અન્ય ટ્રકમાં બેસી ગયા હતા. ટ્રકચાલકને વાસદ જવાનું જણાવતા ટ્રકચાલકે વૃદ્ધાને ટ્રકમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ અગમ્ય કારણોસર વૃદ્ધાને મોડાસા નજીક આવેલા ખડોદા ગામ નજીક રાત્રીના સુમારે ઉતારી દેતા અજાણ્યા વિસ્તારને પગલે વૃદ્ધા ખડોદા ગામે લાઈટ જોવા મળતા ત્યાં પહોંચ્યા હતા. ગ્રામજનો અજાણ્યા વૃદ્ધાને જોતા તેમને આપવીતી જણાવી હતી. ૧૮૧ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા ૧૮૧ અભયમ હેલ્પલાઈનની ટીમ ખડોદા પહોંચી હતી ૧૮૧ અભયમના મનીષાબેને વૃધ્ધાને સાંત્વના આપી પૂછતાછ કરતા નિરાધાર હોવાનું જણાવતા રાત્રિનો સમયના પગલે સખી વન સ્ટોપ મોડાસા ખસેડાયા હતા.મોડાસા સખી વનસ્ટોપની ટીમે મહિલાને તેના વતન પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી.