મુંબઇ 

વિનોદ ખન્નાની 6 ઓક્ટોબરે આજે 74મી જન્મ જયંતિ છે. તેમનો જન્મ 6 ઓક્ટોબર, 1946ના રોજ પાકિસ્તાનમાં થયો હતો જ્યારે 27 એપ્રિલ, 2017ના રોજ મુંબઈમાં તેમનું નિધન થયું હતું. વિનોદ ખન્નાની લાઈફ કોઈ ફિલ્મની સ્ટોરીની ઓછી નથી. સામાન્ય પરિવારમાં હોવાથી લઈને બોલિવૂડ એક્ટર બન્યા અને પછી ઓશોથી પ્રભવિત થઈને પોતાનું લગ્નજીવન પૂરું કરવા સુધી તેઓ હંમેશાં ચર્ચામાં રહ્યા. 

જ્યારે પિતાએ બંદૂક સાધી

વિનોદ કુમારના જણાવ્યા મુજબ, એક પાર્ટી દરમ્યાન તેમની મુલાકાત સુનિલ દત્ત સાથે થઇ હતી. તેઓ એક ફિલ્મ માટે તેના ભાઈના રોલ માટે કોઈ નવા એક્ટરની શોધમાં હતા. તેમણે વિનોદ ખન્નાને તે રોલ ઓફર કર્યો. પરંતુ જ્યારે આ વાત તેમના પિતાને ખબર પડી તો તેમણે વિનોદ પર બંદૂક સાધી દીધી. તેમનું કહેવું હતું કે જો તે ફિલ્મમાં ગયા તો ગોળી મારી દેશે. જોકે,વિનોદના માતાએ તેના પિતાને આ માટે મનાવી લીધા અને બે વર્ષનો સમય આપ્યો. પિતાએ કહ્યું કે બે વર્ષ સુધી કઈ ન કરી શક્યો તો ફેમિલી બિઝનેસ જોઈન કરી લેજે. 

એક અઠવાડિયામાં સાઈન કરી 15 ફિલ્મો

વિનોદની પહેલી ફિલ્મ હતી 'મન કા મીત', જેને મિક્સ રિએક્શન મળ્યા હતા. ત્યારબાદ એક અઠવાડિયામાં વિનોદે અંદાજે 15 ફિલ્મો સાઈન કરી. ફિલ્મોમાં થોડી સફળતા મળ્યા બાદ વિનોદ અને ગીતાંજલિએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેના બે દીકરા રાહુલ ખન્ના અને અક્ષય ખન્ના છે.

ઓશોથી પ્રભાવિત થયા

એક સમય હતો જ્યારે ફેમિલીને સમય આપવા માટે વિનોદ રવિવારે કામ ન કરતા હતા. આવું કરનારા તેઓ શશી કપૂર બાદ બીજા એક્ટર હતા પણ ઓશોથી પ્રભાવિત થઈને તેમણે પારિવારિક જીવન નષ્ટ કરી લીધું હતું. વિનોદ ઘણીવાર ઓશોના પુણેના આશ્રમ જતા હતા.

  ત્યાં સુધી કે તેમણે તેમના ઘણા શૂટિંગ શેડ્યુઅલ પણ પુણેમાં જ રખાવ્યા. ડિસેમ્બર, 1975માં વિનોદે જ્યારે ફિલ્મોમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો તો બધા આશ્ચર્ય પામ્યા હતા. તેમને 'સેક્સી સંન્યાસી' પણ કહેવામાં આવ્યા. વિનોદ અમેરિકા ચાલ્યા ગયા અને ઓશો સાથે લગભગ 5 વર્ષ રહ્યા. ત્યાં તેઓ તેમના માળી હતા. 

ગીતાંજલિ સાથે સંબંધ તૂટી ગયો

4-5 વર્ષ સુધી પરિવારથી દૂર રહેનારા વિનોદનો પરિવાર પૂરી રીતે તૂટી ગયો હતો. જ્યારે તેઓ ભારત પરત ફર્યા ત્યારે તેની પત્ની તેને ડિવોર્સ આપવાનો નિર્ણય લઇ ચૂકી હતી. ફેમિલી વિખરાયા બાદ 1987માં વિનોદે ફિલ્મ 'ઇન્સાફ'થી ફરી બોલિવૂડમાં એન્ટ્રી લીધી.

1990માં બીજા લગ્ન કર્યાં

ફરીવાર ફિલ્મી કરિયર શરૂ કર્યા બાદ વિનોદે 1990માં કવિતા સાથે લગ્ન કર્યાં. બંનેને એક દીકરો અને એક દીકરી છે. વિનોદનો બીજો દીકરો સાક્ષી પણ ફિલ્મમાં આવવા તૈયારી કરી રહ્યો છે.

1997માં રાજકારણમાં આવ્યા

એક્ટર બાદ 1997માં BJP પાર્ટીના સભ્ય બનીને વિનોદ નેતા પણ બની ગયા. રાજકારણમાં સક્રિય વિનોદ ઘણી ફિલ્મોમાં દેખાયા હતા પણ તેમને બ્લાડર કેન્સર હતું જેને કારણે 4 વર્ષ પહેલાં તેમનું નિધન થયું.