અરવલ્લી,નનાનપુર : લો પ્રેશરથી વાતાવરણમાં એકાએક પલટો આવતાં ભારે પવન અને ગાજવીજ સાથે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાય વિસ્તારોમાં રવિવારના દિવસે બપોરે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા મુશળધાર વરસાદ ખાબકયો હતો.કેટલાય ઠેકાણે કાચા મકાનો પણ ધરાશાયી થયા છે. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ, હિમતપુર, કરણપુર, ચારણી, ચાપલાનાર સહિતના વિસ્તારોમાં અને પ્રાંતિજ તલોદ તાલુકાના ગામડાઓમાં તેમજ અરવલ્લી જિલ્લાના ભિલોડા-શામળાજી- ટીંટોઇ-દઘાલીયા - માલપુર-વિજયનગર મોડાસા મેઘરજ બાયાડ ધનસુરા સહિતના વિસ્તારોમાં પવન અને વિજળી ના કડાકા સાથે વરસેલા મુશળધાર વરસાદના કારણે ખેડૂતોને ખાસ કરીને મગફળી તેમજ એરંડા સહિતના કઠોળ અને તેલીબિયાંના પાકોને નુકશાન થયું છે. બન્ને જિલ્લામાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાવાની ભીતી છે.અરવલ્લી જિલ્લામાં રવિવારે ગાજવીજ સાથે ભારે વરસાદ આફત લઈને આવ્યો હોય તેમ વીજળી પડતા બે લોકોના મોત નિપજયા છે. ભિલોડાના માંકરોડાના શ્રદ્ધા બંગ્લોઝમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા નિવૃત્ત આર્મી જવાન સુરેશભાઈ થાવરાજી ગામેતી પશુઓ ચરાવવા ગયા હતા.દરમિયાનમાં તેમના પર વીજળી પડતા મોત નિપજયું હતું. મોડાસાના નાંદીસણ ગામે ખેતરમાં બળદ બાંધવા ગયેલા જયંતીભાઈ સોમાભાઈ પગી (ઉં.વર્ષ-૨૫) પર વીજળી પડતા ખેતરમાં જ ઢળી પડતા પરિવારજનો અને લોકો ખેતરમાં દોડી ગયા હતા. વીજળી પડવાથી યુવકનું મોત નિપજતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. બીલવાણીયા ગામે રહેતા ગીતાબેન કિરીટ ભાઈ પરમાર ઘર નજીક પાણીની મોટર નજીક કામકાજ કરી રહ્યા હતા. ભેજવાળી જગ્યા હોવાથી તેમને વીજકરંટ લાગતા મોત નીપજ્યું હતું. ધનસુરાના ખિલોડીયા ગામ નજીકથી સાસરીમાં જવાનું કહી બે દિવસ પહેલા નીકળેલ શખ્શની લાશ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મેઘરજ તાલુકાના પહાડીયા ગામનો ૩૫ વર્ષીય યુવક વાત્રક નદીના પાણીમાં ડુબી ગયાની આશંકાને લઈ તંત્ર બે દિવસથી સ્થાનિક તરવૈયાઓની ટીમ સાથે યુવકની શોધખોળ આદરી હતી. પરંતુ યુવકનો ક્યાંય પત્તો ન લાગ્યો ન હતો. 

અંબાજીમાં વરસાદની એન્ટ્રી ઃ બજારોમાં પાણી ભરાતાં વાહનો તણાયાં

અંબાજી ઃ યાત્રાધામ અંબાજીમાં રવિવારે ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી.બપોરના સુમારે એકાએક વરસેલા વરસાદના પગલે અંબાજી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યારે બજારોમાં પણ પાણી ભરાતા વાહનો પાણીમાં તણાતા જોવા મળ્યા હતા.કેટલાક મોટા ભુંગળા પણ પાણીમાં તણાતા નજરે પડ્યા હતા.અંબાજી હાઈવે ઉપર છેલ્લા કેટલાક વર્ષોની એક સમસ્યા રહી હોય તે રીતે શક્તિધારા આગળ મુખ્ય હાઈવે માર્ગ ઉપર સતત પાણી ભરાતા વાહનવ્યવહાર પણ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. અંબાજી ખાતે પડેલા સતત ત્રણ કલાક વરસાદમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો અંબાજીમાં પડેલા વરસાદના પગલે અંબાજી પવિત્ર માનસરોવરમાં પણ પાણી ભયજનક સપાટીએ પહોચ્યુ છે. જોકે અંબાજીમાં સરોવરની ઉંચાઈ લગભગ ૯૦ ફૂટ છે. જે આ સિઝનમાં પડેલા વરસાદના પગલે અઠ્‌યાસી ( ૮૮) ફૂટ પાણી માન સરોવર ભરાયું છે. બે ફૂટ ખાલી રહેતા માનસરોવરની સપાટી ભયજનક રીતે પહોંચતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ માનસરોવરના દરવાજાઓ બંધ કરી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. દાંતા અને હડાદ વિસ્તારમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી હતી.

મહેસાણામાં વીજળી પડવાથી ૨ કામદારોનાં મોત

મહેસાણાના પઢારિયા ગામે ગૌચરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષ કાપવાની કોન્ટ્રાકટર થકી કામગીરી ચાલી રહી હતી. દરમ્યાન ટ્રોલી ઉપર અચાનક વીજળી પડતાં પાંચેક મજૂરો વીજળીથી ગંભીર રીતે દાઝ્‌યા હતા. આ ઘટનામાં રમણજી દિવનજી ઠાકોર અને ૨૫ વર્ષીય દિલીપજી ઠાકોરનું મોત થયું હતું. જગાજી લક્ષમજી ઠાકોર ,અશોકજી નવગણજી ઠાકોર અને પરબતજી ઉદયજી ઠાકોરને ગંભીર ઈજાઓ થતા તેમની સારવાર ચાલુ છે.

લીલછામાં વીજળી પડતાં ગાયનું મોત

લિલછામાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. લિલછા અને આજુબાજુમાં સવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આક્રમક રીતે ત્રાટકતાં ગ્રામ્ય વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા. ગામમાં વીજળી પડવાથી તરાર અરખાભાઈની ગાયનું મોત થયું છે.