વડોદરા : ફ્રાન્સના રાષ્ટ્રપતિનો વિરોધ કરતાં અને ત્યાં નિર્મિત ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાના સંવેદનશીલ મુસ્લિમ વિસ્તારોમાં લાગેલા પોસ્ટરો-બેનરો અંગે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી પોસ્ટરો-બેનરો લગાવનાર અને સાહિત્ય છાપનારાઓની શોધખોળ હાથ ધરી હતી. ડીસીબીએ આ માટે બાતમીદારો ઉપરાંત સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી અસામાજિક તત્ત્વોને ઝડપી પાડવાનું આયોજન કર્યું હતું અને બે જણાને ઝડપી પાડયા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સબ્બીરહુસેન ગુલામ હુસેન શેખ (ઉં.વ.ર૮, રહે. અલમુકામ રેસિ. તાંદલજા) અને આસિફ ઉર્ફે તીતલી સલીમભાઈ શેખ (ઉં.વ.૩૪, રહે. નવાબવાડા)ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ પૈકી આસિફ તીતલી અગાઉ હત્યા, હત્યાની કોશિશ, હથિયાર રાખવા અને પેરોલ જમ્પ જેવા ગુના નોંધાયેલા છે. આ મામલામાં હજુ વધુ ધરપકડો થઈ શકે એમ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું. 

વિશ્વભરમાં લાગેલા એકસરખા પોસ્ટર અને વિરોધ કરવાની આ નવી રીતથી અત્રેનું ગુપ્તચર તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. ત્યારે ગૃહ મંત્રાલયે આને પૂર્વનિયોજિત કાવતરું ગણી એને ગંભીરતાથી લઈ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલાઓને ઝડપી પાડવા માટેની સૂચનાઓ આપી હતી. જાે કે, બેનરો કે પોસ્ટરોમાં ક્યાંય દેશવિરોધી લખાણ કે પ્રવૃત્તિ કરવાનો હોય એવો અણસાર અપાયો ન હતો. પરંતુ આ વિરોધનો વ્યાપ દિવસે ને દિવસે ગ્રામ્ય વિસ્તારો સુધી ફેલાતાં એની પાછળ કોઈ ચોક્કસ જૂથનો હાથ હોવાનું માની આવા અસામાજિક તત્ત્વોને ઝડપી પાડવા માટે આદેશ કરાયા હતા. જેના પગલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરી છે જેમાં કાયદેસરની ફરિયાદ કરી મુસ્લિમોની લાગણી દુભાય, કોમી ઉશ્કેરણી પેદા થાય એવું ગુનાહિત કાવતરું રચનાર અસામાજિક તત્ત્વોની શોધખોળ હાથ ધરી હતી.શહેરના નવાબવાડા અને મચ્છીપીઠ સહિત અકોટા બ્રિજ પર બોયકોટ ફ્રાન્સના પોસ્ટર રોડ અને દીવાલ પર લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ઘટનાના છ દિવસ બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે

પોસ્ટર ચોંટાડનાર અને પોસ્ટર પ્રિન્ટિંગ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. ફ્રેન્ચ આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલા કાર્ટૂનને કારણે ફ્રાન્સનો ચોક્કસ દેશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેના આંતરરાષ્ટ્રીય પડઘા પડયા હતા. તેના અનુસંધાને વડોદરાના ચોક્કસ વિસ્તારોમાં પણ બોયકોટ ફ્રાન્સના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ગત શુક્રવારે નવાબવાડા, મચ્છીપીઠ તેમજ અકોટા બ્રિજ ઉપર રોડ અને દીવાલ પર પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા હતા.

રોડ અને દીવાલ પર પોસ્ટર અને બેનરો લગાડી ફ્રાન્સ અને ઈઝરાયલ તથા તેમના પ્રોડક્ટનો બહિષ્કાર કરવા જણાવાયું હતું. રાતોરાત પોસ્ટર લાગી જવાને કારણે શહેરભરમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જાે કે, પોલીસે સતર્ક રહીને ઉશ્કેરાટ અને આપત્તિજનક લખાણવાળા ફ્રાન્સના પ્રમુખ એમ્યુનલ મેંક્રોનના પોસ્ટર ઉતારી દીધા હતા. ઘટનાના છ દિવસ બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પોસ્ટર લગાડનાર અને બનાવનાર સામે લાલ આંખ કરી હતી. શહેર ક્રાઈમ બ્રાન્ચે પોસ્ટર લગાડનાર અજાણ્યા શખ્સો અને પોસ્ટરો છાપનાર અજાણ્યા પ્રિન્ટિંગ પ્રેસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.