વડોદરા-

કોરોનાકાળ માં છેલ્લા બે વર્ષથી કોલેજના વિદ્યાર્થીઓ એક પણ દિવસ કોલેજ કે કલાસરૂમ જોયો નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની વિચારણા ચાલી રહી છે. સરકારની આ વિચારણા સામે વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સીટી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આજે શહેરના કાલાઘોડા સર્કલખાતે એમ.એસ.યુનિવર્સીટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન સામે વાંધો ઉઠાવતા અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ કાલાઘોડાથી ફતેહગંજ તરફ જવાના મુખ્ય માર્ગની ફુટપાથ પર શાકભાજીની દુકાન લગાવી બેનર પોસ્ટર સાથે બેસી ગયા હતા ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓનું ધ્યાન આ શાકભાજી વેચતા વિદ્યાર્થીઓ પર પડતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. ગુજરાત સરકારે કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું હતું જેના વિરોધમાં આજે વિદ્યાર્થીઓએ શાકભાજી વેચી અનોખો વિરોધ કર્યો હતો.