વડોદરા, તા.૨૦

શહેરના મોટનાથ તળાવમાં સ્થિત લેકઝોનમાં બોટ ડુબી જતા માસુમ વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકા સહિત ૧૪ના કરુણ મોત નીપજવાના બનાવની પ્રાથમિક તપાસમાં પોલીસને સજ્જડ પુરાવા સાંપડ્યા છે અને તેના આધારે પોલીસે આ હોડી કાંડના પડદા પાછળના મુખ્ય સુત્રધાર પરેશ શાહ અને પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન વિરુધ્ધ આજે ગુનો નોંધ્યો હતો. હોડી કાંડ બાદ ઘટનાસ્થળેથી ફરાર થયેલા પરેશ શાહની પણ આ ગુનામાં સંડોવણી હોવાનો એકમાત્ર લોકસત્તા-જનસત્તા દ્વારા ઘટસ્ફોટ કરાયો હતો જેને ગણતરીના કલાકમાં સમર્થન મળ્યું હતું. પોલીસે હોડી કાંડની ફરિયાદમાં પરેશ શાહ અને નિલેશ જૈનનો ઉમેરો કરતો હવે એક મૃતક સહિત આરોપીઓનો આંક ૨૦ પર પહોંચ્યો છે.

હરણી બોટકાંડમાં ૧૨ વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓના મોત થવાના હચમચાવી નાખતી ઘટનાની હરણી પોલીસ મથકમાં કુલ ૧૮ આરોપીઓ સામે કોર્પોરેશનના કાર્યપાલક ઈજનેરે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં દર્શાવેલા આરોપીઓ પૈકી એકનું મોત નિપજ્યું હોઈ પોલીસે અન્ય ૧૯ આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી જેમાં લેકઝોનના મેનેજર શાંતિલાલ સોલંકી તેમજ બોટ ઓપરેટર નયન ગોહિલ, બોટ ઓપરેટરના હેલ્પર અંકિત વસાવા તેમજ લેકઝોનના ત્રણ ભાગીદારો ભીમસીંગ યાદવ, રશ્મિકાંત પ્રજાપતિ અને વેદપ્રકાશ યાદવની પોલીસે ગઈ કાલે ધરપકડ કરી હતી.

આ અંગે પોલીસ કમિ. અનુપમસિંહ ગહલૈાતે જણાવ્યું હતું કે તમામ આરોપીઓની પોલીસ અધિકારીઓએ ઘનિષ્ટ પુછપરછ કરી હતી તેમજ તેઓના મોબાઈલ ફોનની ચકાસણી કરી હતી. તપાસ અને પુછપરછના અંતે જાણ થઈ હતી કે પરેશ શાહ લેકઝોનના કરારમાં પંદર ભાગીદારોમાં સામેલ નથી પરંતું તેની પત્ની, પુત્ર અને પુત્રી ભાગીદારો છે. ત્યારબાદ તેણે ડોલ્ફીન એન્ટરટેઈન્મેન્ટના સંચાલક નિલેશ જૈનને લેકઝોનનો પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

લેકઝોનનું સમગ્ર સંચાલન પરેશ શાહ અને નિલેશ જૈન જ કરતા હતા અને લેકઝોનના મેનેજર શાંતિલાલ આ બંનેને લેકઝોનમાં ચાલતી તમામ કાર્યવાહીથી સતત વાકેફ કરતો હતો અને રોજેરોજ કેટલી ટિકીટો વેંચાઈ, કેટલી આવક અને ખર્ચ થયો તેનો તમામ હિસાબ આપતો હતો.

પોલીસને શાંતિલાલ અને લેકઝોનના કર્મચારીઓએ પરેશ શાહ - નિલેશ જૈન સાથે થયેલી મોબાઈલ ચેટીંગ અને ફોન પર મોકલેલા રોજેરોજના હિસાબોની વિગતો મળી હતી જેના આધારે આ લેકઝોનનો અને હોડીકાંડના મુખ્ય સુત્રધાર પરેશ શાહ અને નિલેશ જૈન જ હોવાનું સપાટી પર આવ્યું હતું અને તેના આધારે પોલીસે આજે પરેશ શાહ અને નિલેશ જૈનને પણ ઉક્ત ગુનામાં આરોપી તરીકે સામેલ કર્યા છે. પોલીસે પરેશ શાહ સહિત તમામ આરોપીઓ તેઓના મકાનોને તાળા મારી પરિવાર સાથે ફરાર થઈ ગયા છે. તેઓને શોધખોળ માટે પોલીસે વિવિધ ટીમો બનાવી છે અને કેટલીક ટીમોને રાજ્યની બહાર પણ રવાના કરી છે.