વડોદરા, તા.૨૩

ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા પ્રમાણિત સીએસસી - કોમ્યુનિટી સાયન્સ સેન્ટર લોકવિજ્ઞાન ભવન ખાતે આજે આ.જગતચંદ્રસૂરિ મ.સા. સ્થાપિત પાવાગઢ જૈન શ્વેતાંમ્બર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી દીપક શાહ અને સીએસસીના ડાયરેકટર ડો. ગવલી વચ્ચે વહો વિશ્વામિત્રી અભિયાનના ચેરમેન ડો. મુની મહેતા અને વૈષ્ણવાચાર્ય પંકજકુમારની ઉપસ્થિતિમાં એમઓયુ કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીનું ઉદ્‌ગમ સ્થાન પાવાગઢથી થાય છે, તો ત્યાં વૈજ્ઞાનિક રીતે ભૂસ્તરશાસ્ત્રીઓ અને સંતો મહંતોના માર્ગદર્શનથી વિશ્વામિત્રી નદી પુનઃ પ્રાકૃતિક રીતે વહેતી થાય તે માટે લોકભાગીદારી અને લોકો મોટી સંખ્યામાં જાેડાય માટે પાવાગઢ જૈન મંદિર ખાતે એક સેટેલાઈટ સાયન્સ સેન્ટર બનાવવાનો પ્રારંભ કરવામાં આવશે. આજની બેઠકમાં સંતો-મહંતો, એમ.એસ. યુનિ.ના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના અધ્યાપકો, સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ આજે લોકવિજ્ઞાન ભવન ખાતે મળ્યા હતા. આગામી દિવસોમાં બે તબક્કામાં વહો વિશ્વામિત્રી અભિયાનને વેગવંતુ બનાવવા માટે જાણીતા રમતવીરો, સામાજિક કાર્યકર્તાઓ, પર્યાવરણવિદ્‌ોની એક વિશાળ પદયાત્રા કાઢવાનું પણ નક્કર આયોજન કરવામાં આવ્યું હતું તેમ અભિયાન સાથે સંકળાયેલા રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું. આ વિશાળ પદયાત્રાને ભંડોળ પૂરું પાડવા વૈષ્ણવાચાર્ય પંકજકુમાર અને સાંઈ કથાકાર જિતુભાઈએ જાહેરાત કરી હતી. સુપ્રસિદ્ધ સાંઈ કથાકાર જિતુભાઈ હવે વિશ્વામિત્રીની કથા પણ ગામે-ગામ કરી લોકજાગૃતિ કરશે.