પણજી-

ગોવાના કોંગ્રેસ ઉપાધ્યક્ષ સહિત કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે, તેમણે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને મળવાની મંજૂરી મેળવવા માટે હોટલની લોબીમાં એક પ્રદર્શન શરૂ કર્યું હતું. જે બાદ પોલીસે તમામ નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. જાવડેકર હાલમાં ગોવામાં છે. ખેડૂત કાયદા અંગેની બેઠકના સંબંધમાં તેઓ ત્યાં ગયા છે. શુક્રવારે મોડીરાતે કોંગ્રેસના નેતાઓ હોટલમાં પહોંચ્યા હતા અને મહાદેય નદીના પાણીને લઈને કર્ણાટક સાથેના વિવાદના મુદ્દે તેમને મળવાની માંગ શરૂ કરી હતી.

જ્યારે હોટલ મેનેજમેન્ટે તેમને આ કરવાની મંજૂરી ન આપી ત્યારે તેઓ લોબીમાં ધરણા પર બેઠા. બાદમાં પોલીસે તેમને કસ્ટડીમાં લઇને પણજીના પોલીસ સ્ટેશન લાવ્યા હતા.જે નેતાઓની અટકાયત કરવામાં આવી છે તેમાં ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સંકલ્પ અમોનકર, યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વરદ મર્દોલકર, જર્નાદાન ભંડારીનો સમાવેશ થાય છે. 

ગોવા કોંગ્રેસ અધ્યક્ષ ગિરીશ ચોડનકરે નેતાઓની અટકાયત કરતો એક વીડિયો શેર કરતાં લખ્યું છે કે, 'ગોવામાં જંગલ રાજ છે. પણજીમાં ઉપાધ્યક્ષ સંકલ્પ અમોનકરની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓનું પ્રતિનિધિ મંડળ પ્રકાશ જાવડેકરને મળવા માટે અપોઇમેન્ટ લેવા ગયો હતો. તેઓ હોટલની લોબીમાં તેમની રાહ જોતા હતા. જે બાદ ગોવા પોલીસે તેની ધરપકડ કરી હતી. વરદ મર્દોલકરે કહ્યું કે તેઓ કેન્દ્રીય પ્રધાનને મળવા માંગે છે અને પ્રશ્ન કરવા માંગે છે કે મહાદેય નદીના મુદ્દે કેન્દ્ર સરકાર શા માટે મૌન છે.