વડોદરા : લવજેહાદના નવા કાયદા અનુસાર વડોદરામાં નોંધાયેલા પ્રથમ કેસમાં ગંભીર વળાંક આવ્યો છે. ફરિયાદ નોંધવામાં પોલીસે ઉતાવળ કરી હોવાનો આક્ષેપ કરી ભોગ બનેલી યુવતીએ ખુદ આજે અદાલતમાં હાજર થઈ કરેલા સોગંદનામામાં પોતાના પતિ સાથે રહેવાનો મક્કમ નિર્ધાર જાહેર કરી પતિને જામીન ઉપર છોડવા અપીલ કરતાં હડકંપ સર્જાયો છે. કોર્ટે આ અંગે વધુ સુનાવણી ગુરુવારે રાખી જામીન અંગેનો નિર્ણય લેશે એમ જણાવ્યું હોવાનું અદાલતી સૂત્રોએ જણાવ્યું છે. આમ લવજેહાદના કડક કહેવાતા કાયદા બાદ બનેલા રાજ્યના પ્રથમ કેસનું સુરસુરિયું થવાના સંજાેગો ઊભા થતાં લવજેહાદના વિરોધીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

ખ્રિસ્તી નામ રાખી હિન્દુ યુવતીને ફસાવી વિશ્વાસ મેળવ્યા બાદ યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ લગ્ન કરનાર તરસાલીના સમીર કુરેશી સામે ગોત્રી પોલીસ મથકે ઈપીકો કલમ ૪૯૮(ક), ૩૭૬(ર)(એન), ૩૭૭, ૩૧૨, ૩૧૩, ૫૦૪, ૫૦૬, ૧૨૦બી અને ગુજરાત ધર્મસ્વતંત્રતા સુધારા અધિનિયમ ૨૦૨૧ની કલમ તથા એટ્રોસિટી એક્ટ-૩ મુજબ ગોત્રી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

લવજેહાદના કાયદાને અમલમાં આવતાં જ ચાર દિવસમાં નોંધાયેલો આ ગુનો રાજ્યભરમાં પ્રથમ હતો. જેની ખાસ્સી એવી પબ્લિસિટી થઈ હતી. આ ગુનામાં મુસ્લિમ યુવક સમીર કુરેશી ઉપરાંત પિતા અબ્દુલ કુરેશી, માતા ફરીયાદ કુરેશી, ભાઈ રૂકસાર કુરેશીના નામો પણ એફઆઈઆરમાં સામેલ હતા. ૧૮મી જૂને નોંધાયેલા આ ગુનામાં હિન્દુ યુવતીને ફસાવવાનો આરોપ ધરાવતા સમીર કુરેશીને ગોત્રી પોલીસે ઝડપી પાડયો હતો અને જેલના હવાલે કર્યો હતો. જેના ૧૨ દિવસ થતાં અદાલતમાં સમીર કુરેશીએ જામીનઅરજી મૂકી હતી, જેની આજે અત્રેની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

બુધવારે આજે જેલમાં રહેલા સમીર કુરેશીએ મૂકેલા જામીનઅરજીની સુનાવણી હતી. એ જ વખતે એની ફરિયાદણ પત્નીએ મૂકેલા સોગંદનામાની વિગતો જાેઈને સૌ ચોંકી ઊઠયા હતા. જેમાં પીડિતાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારે પતિ સાથે બોલાચાલી અને ઝઘડો જરૂર થયો હતો, પરંતુ પોલીસની દરમિયાનગીરીથી પતિ વધારે ત્રાસ ના આપે એટલી જ મારી ઈચ્છા હતી. ઘરેલું હિંસા ૪૯૮ મુજબ કાર્યવાહી થાય એવી મારી ફરિયાદ આપી હતી. યુવતીના આ સોગંદનામાનો હવે આરોપીપક્ષ દ્વારા એવો સીધો અર્થ કઢાઈ રહ્યો છે કે પોલીસે જાતે જ ‘લવજેહાદ’ જેવી ગંભીર કલમો ઉમેરીને આરોપીઓને ફસાવી દીધા છે. સોગંદનામામાં ખુદ યુવતીએ પતિ સાથે રહેવાની ઈચ્છા જાહેર કરી પતિ સમીર કુરેશીને જામીન આપવાની વિનંતી કરતાં અદાલતે યુવતીને હાજર કરવા જણાવતાં ઉપસ્થિત થયેલી યુવતીએ અદાલતમાં જજને પણ સોગંદનામાની વિગતો મારા કહેવાથી જ લખવામાં આવી હોવાનું જણાવી પતિને જામીન આપવાની વાત કરતાં કોર્ટરૂમમાં હાજર પોલીસ અધિકારીઓના હાંજા ગગડી ગયા હતા. બીજી તરફ સમીર કુરેશીના વકીલે પણ ફરિયાદીએ સંમતિ આપી હોય તો જામીન આપવાની દલીલ કરી હતી અને યુવતીના વકીલે પણ પત્નીએ ખુદ પતિ સાથે જ રહેવાની ઈચ્છા જાહેર કરી હોવા ઉપરાંત એ અંગેનું સોગંદનામું રજૂ કર્યું હતું. જાે કે, અદાલતે જામીન અંગેની વધુ સુનાવણી ગુરુવાર ઉપર મુલત્વી રાખી છે. ત્યારે અદાલતના વલણ ઉપર આખા મામલાનો આધાર છે. જાે યુવકને જામીન આપી દેવાશે તો શહેરમાં નોંધાયેલા લવજેહાદના સૌ પ્રથમ મામલાનું સુરસુરિયું થઈ જશે.

અગાઉ લગ્ન કરાવનાર કાજી અને ગર્ભપાત કરનાર ડોકટરને ક્લીનચિટ અપાઈ હતી

લવજેહાદના આ મામલામાં યુવતી દલિત હોવાથી એટ્રોસિટીની કલમ પણ ઉમેરવામાં આવી હતી. એના કારણે તપાસ એસટી/એસસી સેલના એસીપી બી.કે.રાઠોડને તપાસ સોંપાઈ હતી. જાે કે, લગ્ન સમયે યુવતીના માતા-પિતાની હાજરી હોવાનો પુરાવો અપાતાં લગ્ન કરાવનાર કાજીને ક્લીનચિટ અપાઈ હતી. જ્યારે ગર્ભપાત કરનાર તબીબે પણ ફોર્મમાં પુખ્ત ઉંમરના પતિ પત્નીની સહી હોવાનું રજૂ કરતાં ડોકટરને પણ ક્લીનચિટ અપાતાં આ મામલો ઢીલો પડી ગયો હતો. બીજી તરફ પોલીસ હજુ સુધી યુવકના માતા-પિતા, ભાઈને પકડી શકી નથી.

શહેર પોલીસ મૂંઝવણમાં?

લવજેહાદનો રાજ્યનો પ્રથમ ગુનો વડોદરા ખાતે નોંધાયો છે. ત્યારે શહેર પોલીસ માટે પણ આ મામલો પ્રતિષ્ઠાનો બન્યો છે. જાે આ મામલામાં પીડિતાના સોગંદનામા બાદ અદાલત જામીન આપે અને ગુનો નોંધવામાં ઉતાવળ કરી હોવાનું નિરીક્ષણ નોંધે તો ગુનો રજિસ્ટર કરનાર પોલીસ અધિકારી સામે તપાસ થાય એવા સંજાેગોનું નિર્માણ થતાં શહેર પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ હોવાનું કહેવાય છે.

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન શું છે?

વડોદરા. અદાલતમાં આજે વકીલે દલીલ કરી હતી કે ૨૦૧૪માં અનવેશકુમારના મામલામાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે પતિ પત્નીના ઝઘડા અંગે પોલીસે એફઆઈઆર કરતાં પહેલાં પૂરતી તપાસ કરવી જાેઈએ અને મધ્યસ્થી બની શક્ય એટલા સમાધાનના પ્રયાસ કરવા જાેઈએ. ગોત્રી પોલીસે નોંધેલા લવજેહાદના મામલામાં પતિ પત્નીને બેસાડી એવા કોઈ પ્રયાસો થયા નહીં હોવાની દલીલ પણ કરવામાં આવી હતી. જામીન અંગેનો ફેંસલો ગુરુવારે આપવામાં આવશે એમ અદાલતી વર્તુળોએ જણાવ્યું છે.