વડોદરા, તા. ૨૭

નવાપુરા વિસ્તારમાં પાંચ માસ અગાઉ ઘરે કોઈને જાણ કર્યા વિના ભેદી સંજાેગોમાં ગુમ થયેલી સગીરાને લાલબાગ કુંભારવાડામાં રહેતો યુવક પોતાની સાથે ભગાડી ગયા બાદ પ્રેમીપંખીડા હાલમાં મુજમહુડા વિસ્તારમાં રહેતા હોવાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચે અપહ્યુત સગીરાને શોધી કાઢી તેને પોતાની સાથે રાખનાર યુવકની ધરપકડ કરી હતી.

નવાપુરા વિસ્તારમાં રહેતી મહિલાની સગીર વયની પુત્રી ગત ૪-૬-૨૦૨૨ના રોજ ઘરે કોઈને જાણ કર્યા વિના બહાર ગયા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થઈ હતી. સગીરાની પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી પરંતું તેના કોઈ સગડ નહી મળતા તેની માતાએ પુત્રીનું કોઈએ અપહરણ કર્યું હોવાની નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આ બનાવની ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી હતી જેમાં ટેકનીકલ સોર્સીસના આધારે જાણ થઈ હતી કે અપહ્યુત સગીરા હાલમાં શહેરના જ મુજમહુડા વિસ્તારમાં રહે છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુજમહુડા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી ઉક્ત સગીરાને શોધી કાઢી હતી જેમાં સગીરાનું ધર્મેશ ઉર્ફ નાનુ રમેશ તડવી (લાલબાગ,કુંભારવાડા)એ અપહરણ કર્યું હોવાની અને તે પાંચ માસથી સગીરાને પોતાની સાથે રાખતો હોવાની વિગતો મળતા પોલીસે ધર્મેશની ધરપકડ કરી હતી. આ બનાવના નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલી હોઈ અપહ્યુત સગીરા અને ધર્મેશને નવાપુરા પોલીસને સોંપાયા હતા જયાં પોલીસે સગીરાની તબીબી તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી છે.