ગાંધીનગર-

વિજય રૂપાણીએ વિશ્વ પ્રવાસન દિવસ તા. ૨૭ સપ્ટેમ્બરે ઉજવાય છે, તેના પૂર્વ દિવસોમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકસલન્સ એવોર્ડ-2020 વેબિનારના માધ્યમથી વિવિધ વિજેતાઓને અર્પણ કર્યાં હતા. મુખ્યપ્રધાને જણાવ્યું કે, ગુજરાતે ટુરિઝમ સેક્ટરમાં અનેક નવા ઈનેશ્યેટિવ લીધા છે. ટુરિઝમ પોલિસીને નવો આધુનિક લૂક આપીને હેરિટેઝ ટુરિઝમ પોલિસીનો નવો કોન્સેપ્ટ દેશને આપ્યો છે. એટલું જ નહીં હોમ સ્ટે પોલિસી દ્વારા અને આ નવી હેરિટેજ ટુરિઝમ પોલિસી દ્વારા ગ્રામ્ય ક્ષેત્રે પણ ટુરિઝમ સેક્ટર રોજગારી આપતું સેકટર બને એવા આયોજન કર્યાં છે.

ગુજરાતના પ્રવાસન વૈવિધ્ય-ટુરિઝમને સોળે કળાએ ખિલવીને સર્વિસ સેકટરમાં વધુ રોજગારી આપતું સેક્ટર બનાવવાની નેમ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે. ગુજરાત પાસે અપાર પ્રવાસન વૈવિધ્ય છે જેમાં, હેરિટેજ, પ્રાકૃતિક સૌંદર્ય, તીર્થ સ્થાનો, સફેદ રણ અને પ્રાગૈતિહાસિક વિરાસત પડેલી છે તેને વિશ્વ સમક્ષ વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવીને આવનારા દિવસો ભારતના અને ખાસ કરીને ગુજરાતના પ્રવાસન-ટુરિઝમ એટ્રેકશન બને તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.

વિજયભ રૂપાણીએ વધુમાં કહ્યું કે, વિશ્વ વ્યાપી મહામારી કોરોનાને કારણે ખાસ કરીને ટુરિઝમ એન્ડ ટ્રાવેલ સેક્ટરની ગતિવિધિઓને અસર પહોંચી છે. પરંતુ, આપણે કોરોના સંક્રમણથી હવે બહાર નીકળી ‘જાન હૈં જહાન હૈં’ ધ્યેય સાથે આ સેકટરને ફરી ધબકતુ અને ચેંતનવંતુ કરવું છે. મુખ્યપ્રધાને આ એવોર્ડ અર્પણ અન્વયે બેસ્ટ ફાઈવ સ્ટાર હોટલ, બેસ્ટ ઈન બાઉન્ડ ટુર ઓપરેટર કેટેગરી, લિડિંગ ટુરિઝમ ઈનિસ્યેટિવ બાય ડિસ્ટ્રિક્ટ તેમજ સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન ટુ ટ્રાવેલ સેક્ટરના એવોર્ડસ વિનર અને રનર અપ કેટેગરીમાં અર્પણ કર્યાં હતા. તેમણે ગુજરાત ટુરિઝમની અદ્યતન અને નાવિન્યપૂર્ણ વેબસાઈટનું લોન્ચિંગ તેમજ ‘બનો સવાયા ગુજરાતી’ કેમ્પઈન પણ લોન્ચ કરાવ્યો હતો. મુખ્યમંત્રી એમ પણ જણાવ્યું કે, ગુજરાતનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી, પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ, રાજકોટ ગાંધી મ્યુઝિયમ, દાંડીના દરિયા કિનારે નેશનલ સોલ્ટ મેમોરિયલ તથા ગાંધીનગરમાં દાંડીકૂટિર જેવાં સ્મારકો તેમજ ઉપરકોટ, રાણીકી વાવ, અડાલજની વાવ, મોઢેરા સૂર્ય મંદિર, દ્વારકા, સોમનાથ તથા બુદ્ધિસ્ટ ટુરિઝમ સરકીટના ભવ્ય વારસાથી અને સીમાદર્શન જેવાં નવીન પ્રયોગોથી વિશ્વભરના પર્યટકોને ગુજરાતમાં બેસ્ટ ટુરિસ્ટ સાઈટ્સ અને ડેસ્ટિનેશન આપણે પૂરા પાડ્યા છે. વિજય રૂપાણીએ એવોર્ડ મેળવનારા હોટલ સંચાલકો, ટુર ઓપરેટર્સ, જ્યુરી મેમ્બર્સ સૌને આ સફળ આયોજન માટે અભિનંદન આપ્યા હતા.

પ્રવાસનપ્રધાન જવાહરભાઈ ચાવડાએ ગુજરાતના ટુરિઝમ સેકટરે રાજ્યની ઈકોનોમીને બૂસ્ટ આપ્યું છે તેમ જણાવતા કહ્યું કે, હવે વોકલ ફોર લોકલ તહેત આપણે ગ્રામિણ ટુરિઝમ અને અત્યારસુધી વણખેડાયેલા રહેલાં પ્રવાસન ધામોને વિકસાવી રોજગારીની વિપુલ તકો આપવા માંગીએ છીએ. રાજ્યકક્ષાના પ્રધાન વાસણ આહિરે ગુજરાત ટુરિઝમ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે, તેમજ કચ્છનું રણ, સાપુતારાના કુદરતી નજારા, 1600 કિ.મી. લાંબો દરિયા કિનારો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે બેસ્ટ ચોઈસ બન્યા છે તેમ જણાવ્યું હતુ. આ અવસરે પ્રવાસન સચિવ મમતા વર્માએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને બેસ્ટ લેન્ડ સ્ક્રેપીંગ ટુરીસ્ટ પ્લેસ તરીકેનો મળેલો પુરસ્કાર મુખ્યપ્રધાનને અર્પણ કર્યો હતો. મુખ્યપ્રધાને આ એવોર્ડ અર્પણ સમારોહમાં બેસ્ટ ફાઇવસ્ટાર હોટલ કેટેગરીમાં (૧) હયાત રીજન્સી, અમદાવાદ, (ર) મેરીઓટ, સુરત. બેસ્ટ હેરીટેજ હોટેલ કેટેગરીમાં (૧) હેરીટેજ થિરસરા પેલેસ, રાજકોટ અને (ર) બાલારામ પેલેસ રીસોર્ટ, બનાસકાંઠા. બેસ્ટ ઇન બાઉન્ડ ટુર ઓપરેટર કેટેગરીમાં (૧) હર્ષ ટ્રાવેલ્સ, અમદાવાદ અને (ર) ગ્રાહા ટુર એન્ડ ટ્રાવેલ્સ, અમદાવાદને પુરસ્કારો જાહેર કર્યા હતા. તેમણે લીન્ડીંગ ટુરીઝમ ઇનિશિએટિવ બાય ડીસ્ટ્રીકટ અન્વયે નર્મદા જિલ્લા કલેકટર તંત્ર તેમજ અક્ષયાવતી રીવરફ્રન્ટને એવોર્ડ જાહેર કર્યા હતા, તેમજ સ્પેશ્યલ કોન્ટ્રીબ્યુશન ટુ ટુર ટ્રાવેલ- ટુરીઝમ સેકટર માટે મહેન્દ્રસિંહ – માઇક વાઘેલાને વિજેતા ઘોષિત કર્યા હતા.