વડોદરા, તા.૨૯ 

મહિલા ક્રિકેટ ટીમના સભ્ય સાથેના કોચ બેદાડે દ્વારા અયોગ્ય વર્તન સંદર્ભની રજૂઆતના પ્રકરણ બાદ તેમનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું છે. પરંતુ હવે બીસીએ દ્વારા આવો કોઈ બનાવ સામે આવે તો તે સંદર્ભે તપાસ માટે પાંચ સભ્યોની કમિટી બનાવી છે. ઉપરાંત પાછલા ચાર વર્ષના બાકી હિસાબોને મંજૂરી આપવા આગામી તા.ર૩મી જુલાઈએ હરણી જયઅંબે સ્કૂલ ખાતે એજીએમ યોજવાનો નિર્ણય એપેક્ષ કાઉન્સલની બેઠકમાં લેવામાં આવ્યો છે. બીસીએની એપેક્ષ કાઉન્સલની આજે મળેલી બેઠકમાં વર્ષ ૨૦૧૫-૧૬થી ૨૦૧૮-૧૯ એટલે પાછલા ચાર વર્ષના બાકી હિસાબો મંજૂર કરવા અગાઉ નક્કી કરાયેલી એજીએમ કોરોના મહામારીના કારણે રદ કરાઈ હતી. ત્યારે હવે તા.ર૩મી જુલાઈએ સવારે ૯ વાગે એજીએમ હરણી જયઅંબે સ્કૂલ ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે યોજવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં સભ્યોને અલગ અલગ ક્લાસ રૂમમાં બેસાડવા અને દરેક ક્લાસ રૂમમાં સ્ક્રીન લગાડવા સંદર્ભે આયોજન થઈ રહ્યું છે.

ઉપરાંત બીસીસીઆઈ દ્વારા પ્લેયરોના પર્ફોર્મન્સની સમીક્ષા માટે તેમજ સ્કલીલ ડેવલોપમેન્ટ વગેરેના ઓટોઆઈઝેશન માટે જે સ્પોર્ટસ મિકેનિક્સ વસાવવામાં આવ્યું છે તે સોફટવેર સિસ્ટમ વસાવવામાં આવશે. સાથે ત્રણ સભ્યોની અમ્પાયરિંગ કમિટીની રચના કરી છે. જ્યારે મહિલા ટીમના કોચ બેદાડે પ્રકરણ બાદ હવે આવી કોઈ ઘટના અટકાવવા માટે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં બીસીએના એચઆર હેડ પ્રિયંકા વર્મા, એપેક્ષ કાઉન્સલ મેમ્બર જયશ્રી કુલકર્ણી, સેક્રેટરી અજિત લેલે, એપેક્ષ કાઉન્સલ મેમ્બર કમલકાંત પંડયા અને બહારના સભ્ય શ્વેતા વ્યાસનો સમાવેશ થાય છે.

જ્યારે બીસીએ સાથે સંલગ્ન ક્રિકેટ ગ્રાઉન્ડના મેઈન્ટેનન્સના કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષ માટે રિન્યૂ કરવાનો નિર્ણય તેમજ ડભોઈ, મહેસાણા તેમજ બીસીએ સાથે સંલન અન્ય ક્રિકેટ ગ્રાઉન્ડ માટે નવા સાધનો વસાવવા માટેનો નિર્ણય આજે મળેલી એપેક્ષ કાઉન્સલમાં લેવામાં આવ્યો હતો.