અમદાવાદ-

અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા વેપારીએ સોશિયલ મીડિયાની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને યુવતી સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. એક-બે દિવસમાં તે યુવતીનો વિડિયો- કોલ આવ્યો, યુવક કંઈ સમજે એ પહેલાં જ એમાં ર્નિવસ્ત્ર યુવતી દેખાઈ અને પછી વેપારીના બ્લેકમેઇલનો સિલસિલો શરૂ થયો હતો. વેપારીનો વિડિયો બનાવીને તેની પાસે નાણાંની માગ કરાઈ હતી.

તમે મોબાઈલ ચાલુ કરો ત્યારે અનેક આકર્ષક યુવતીઓ તમારી સાથે વિડિયો ચેટ કરવા માટે તૈયાર છે એમ કહીને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમને લાલચ અપાય છે, પરંતુ જાે તમે આ યુવતીઓના મોહપાસમાં ફસાયા તો તમે ન કહેવાય કે ન સહેવાય જેવી સ્થિતિમાં ફસાઈ શકો છો. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા હિરેન ગુપ્તા(નામ બદલ્યું છે) વેપાર કરે છે. રોજ તેઓ પોતાના વેપારના સમયમાં કેટલાક ફુરસદના સમયે પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હતા.

આ સમયે તેમને એક ઓનલાઈન ફ્રેન્ડશિપ એપ્લિકેશનની જાણ થઈ હતી. ફ્રેન્ડશિપ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેઓ યુવતી સાથે અંતરંગ વાતો કરવા લાગ્યા હતા. યુવતીએ વેપારીને પોતાની વાતો કરી અને વેપારી પણ તેમાં ફસાયા હતા. વેપારીએ પોતાનો વોટ્‌સએપ નંબર તે યુવતીને આપ્યો હતો. આ નંબર પર યુવતી અને વેપારી સાથે વાતોનો સિલસિલો વધતો ગયો હતો.