વડોદરા : વડોદરા શહેરમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રૂા.૪ લાખની સહાય આપવામાં આવે તેવી માગણી સાથે શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી નગરગૃહ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોરોના મહામારીની સેકન્ડ વેવ દરમિયાન વડોદરા શહેરમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં, તેઓના આત્માને શાંતિ માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગાંધી નગરગૃહ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કોંગ્રેસના માજી સાંસદ, પૂર્વ વિપક્ષી નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખે ગુજરાત સરકાર પાસે કોરોના મહામારીના બીજા રાઉન્ડ અંગેની માહિતી હોવા છતાં તેઓ દ્વારા યોગ્ય વ્યવસ્થા ઊભી નહીં કરાતાં ઓક્સિજન અને ઇન્જેક્શનની તેમજ બેડની અછત સર્જાતાં અનેક લોકોનાં મૃત્યુ થયાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા મૃતકોના પરિવારને રાજ્ય સરકાર તરફથી સહાય જાહેર કરવી જાેઇએ તેમજ આગામી દિવસોમાં કોરોના મહામારીનો ત્રીજાે રાઉન્ડ આવવાની શક્યતા છે ત્યારે કોરોનાની વેક્સિન સમયસર લોકોને મળી રહે તેવું આયોજન કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સંભવિત ત્રીજી વેવમાંં દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે અને ઓક્સિજન, દવા, ઇન્જેક્શનની તંગી સર્જાય નહીં તેનું આગોતરું આયોજન કરવામાં આવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.