ભરૂચ : પાલેજમાં ફિલિપ્સ કાર્બન દ્વારા થયેલા પ્રદુષણના વિવાદમાં ગામ આખું એક તરફ પ્રદૂષણ ઓકતી કંપનીને બંધ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ ખુદ સરપંચના પરિવારના સભ્યએ જ કર્મચારીઓની આગેવાની લઈ કંપનીની તરફેણમાં દેખાવ કરી સાંસદ મનસુખભાઇને આવેદન આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવતા ગામમાં નવો વિવાદ છેડાયો છે. પાલેજમાં આવેલી ફિલિપ્સ કાર્બન કંપની દ્વારા મોટા પાયે હવામાં કાર્બન ડસ્ટ છોડાતાં પાલેજમાં પ્રદૂષણ ઉભું થયું હતું. જેના પગલે સ્થાનિક રહીશોમાં રોષ ઉભો થયો હતો. લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થતાં કંપની સામે વિરોધનો પ્રચંડ સુર પણ ઉઠ્‌યો હતો. સ્થાનિક રહીશોએ કંપનીના ગેટ પાસે દેખાવ કરી પ્રદુષણ ઓકતી કંપનીને બંધ કરવાની માંગ ઉઠાવી હતી એટલુંજ નહિં બીજા દિવસે જીલ્લા કલેક્ટરને આવેદન આપી આ કંપનીને બંધ કરવા માટેની માંગ દોહરાવી હતી. એક તરફ સમગ્ર ગામ પ્રદુષણથી લાલઘૂમ બન્યું છે અને કાર્બન કંપનીનો વિરોધ થઈ રહ્યો છે. જ્યારે બીજીબાજુ સરપંચ પરિવારના સભ્યો કાર્બન કંપનીની તરફેણમાં હોવાનું બહાર આવ્યું છે.