ગત રવિવારને ૧૪ જૂનના રોજ બોલીવુડમાં ધરતીકંપ જેવા સમાચાર આવ્યા અને એક હોનહાર સ્વબળે આગળ વધેલ બોલીવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપુતે આત્મહત્યા કર્યાના સમાચારો મળ્યા. આમ કરવા પાછળના કારણમાં પૈસાની તંગી કે પ્રેમ પ્રકરણ બહાર નહિં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં તેઓ ૬ મહિનાથી ડિપ્રેશનમાં હોવાનું બહાર આવ્યું હતું. તમામ સુખ સાયબી હોવા છતાં માણસની આવી માનસિક હાલત કેમ થઈ તે એક ગુથ્થી બની રહ્યું. પરંતુ આ સાથે જ બોલીવુડના સિક્કાની બીજી તરફથી અવાજો ઉઠ્‌યા અને એક કડવી હકીકત જાણવા મળી. 

હકીકતમાં બિહારનો એન્જીનિયર સુશાંત સિંહ રાજપુત સામાન્ય ડાન્સરમાંથી સિરિયલો અને એડમાં કામ કરતો એક્ટર બોલીવુડની ફિલ્મોમાં કામ મળતા સ્ટાર બની ગયો. તેની મહેનતના વખાણ થયા પરંતુ આ રસ્તે આગળ વધવુ મહામુશ્કેલ બની રહ્યું. બોલીવુડ સુત્રોનું માનીએ તો, બોલીવુડમાં સ્ટાર કીડ્‌ઝ અને બહારના લોકો વચ્ચેની વાત આવે ત્યારે મોટા-મોટા ડાયરેક્ટર્સ-પ્રોડ્‌યુસર્સ સ્ટાર કીડ્‌સને વધુ મહત્વ આપે છે. એટલે સુધી કે, એવી વાત પણ જાણવા મળી છે કે અમુક ધુરંધરોએ સુશાંતને બોયકોટ કર્યો અને તેને પાર્ટીમાં પણ ન બોલાવતા. ખુદ કંગના રાણાવતે આ વાત વીડિયો દ્વારા લોકો સુધી પહોંચાડી છે કે, બોલીવુડમાં ભેદભાવનું રાજકારણ રમાય છે અને સગાવાદ થાય છે. ત્યારે હવે સુશાંત સિંહ રાજપુતને આત્મહત્યા કરવા પ્રેરવાની આ ઘટના માટે જવાબદારો સામે પગલા લેવામાં આવે તે માટે એક એડવોકેટ આગળ આવ્યા છે. એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ બિહારની મુજ્જફરનગર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ કેસ બોલીવુડની ૮ હસ્તીઓ વિરુદ્ધ છે જેમાં કરણ જોહર, સંજય લીલા ભનશાળી, સલમાન ખાન અને એક્તા કપુર સામેલ છે. કેસની વિગતો જાણીએ તો આ તમામ સામે આઈપીસીની કલમ ૩૦૬, ૧૦૯, ૫૦૪ અને ૫૦૬ સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમનો સુશાંત સિંહ રાજપુતના મોત સાથે સીધો સંબંધ હોવાનું વકીલ જણાવે છે.