ગાંધીનગર-

કૃષિ સુધારા બિલ સામે કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકારના વિરોધમાં ગુજરાતમાં કૉંગ્રેસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં પ્રદર્શનો યોજવામાં આવ્યાં હતાં. ગાંધીનગર ખાતે વિરોધ કરવા પહોંચેલા કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કૉંગ્રેસના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ તથા કૉંગ્રેસ કાર્યકરો વચ્ચે થોડું ઘર્ષણ પણ થયું હતું.કૃષિ સુધારા બિલ સંસદનાં ગૃહોમાંથી પસાર થઈ ગયું અને બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર પણ કરી દીધા છે. દેશભરમાં ખેડૂતસંગઠનો દ્વારા આનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કૉંગ્રેસ દ્વારા આ મુદ્દે લડત આદરવામાં આવી છે.

આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગરના ચ રોડ પર આવેલ સ્વર્ણિમ સંકુલ પાર્કના આંબેડકરની પ્રતિમાંથી રેલી કાઢીને રાજ ભવન સુધીનું આયોજન કર્યું હતું પરંતુ રેલી હજી થોડેક આગળ પહોંચી તે દરમિયાન પોલીસે કોંગ્રેસ પક્ષના આગેવાનો નેતાઓ પરેશ ધાનાણી અને અમિત ચાવડાની અટકાયત કરી હતી.રેલી પહેલા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જે બિલ પાસ કરવામાં આવ્યા છે. તેમાં સીમાંત અને નાના ખેડૂતો ને આર્થિક નુકસાન થશે. પહેલાં જે ખેડૂતો ખેતરના માલિક હતા તે હવે મજૂર તરીકે કામ કરશે. જ્યારે ભાજપ સરકારને અંગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે પણ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરખામણી કરી હતી.કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં અનેક ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.આ વિરોધ કાર્યક્રમમાં અમદાવાદ અને ગાંધીનગરની મહિલાઓ સહિત NSUIના કાર્યકરો નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.