અરવલ્લી-

જિલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામમાં હેન્ડ ગ્રેનેડના કારણે બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી. ત્યારે બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 2 બાળકી સહિત એક મહિલા ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી. આ મામલે હેન્ડ ગ્રેનેડ અને કથિત આતંકી કનેક્શન સામે આવતા મૃતકના નાના ભાઈએ આત્મહત્યા કરી લીધી છે. મૃતકના નાના ભાઈએ આજે શુક્રવારે પોતાના ઘર પાસે આવેલા એક ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે, પોલીસ દ્વારા તપાસના નામે સતત દબાણ કરવામાં આવી રહ્યું હોવાથી અને પરિવારના તમામ સભ્યો સાથે અમાનુષી વર્તન કરવામાં આવતું હોવાથી તેણે આ પગલું ભર્યું છે. આ આક્ષેપો સાથે પરિવારે પોલીસ વિરૂદ્ધ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવકને તળાવમાંથી ગ્રેનેડ મળ્યો હોવાનું બહાર આવ્યું છે. યુવકના હેન્ડ ગ્રેનેડ અને બંદૂક સાથેના ફોટો પણ આવ્યા સામે આવ્યા છે. યુવકે કમરના ભાગે હેન્ડ ગ્રેનેડ બાંધી ફોટોગ્રાફી કરાવી હતી. પોલીસે મૃતક યુવક અને અન્ય એક વ્યક્તિ સામે આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ અન્વયે ગુનો દાખલ કર્યો છે. અરવલ્લી જિલ્લામાં શામળાજીના ગોઢફુલ્લામાં 6 દિવસ અગાઉ બ્લાસ્ટ થયો હતો. ત્યારે પોલીસ તપાસમાં આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેન્ડથી થયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ મૃતક અને અન્ય એક ઈજાગ્રસ્ત વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ કરી રહી છે. એવામાં મૃતકના નાના ભાઈએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.