સાબરકાંઠા-

એક તરફ નવરાત્રિ તેમજ દિવાળી જેવા મહાપર્વ આવી રહ્યા છે. ત્યારે અખાદ્ય તેલ તેમજ ભેળસેળ કરનારા તત્વો ઉપર દરેક જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ફુડ વિભાગ દ્વારા વેપારીઓને ત્યાં સઘન તપાસ કરાઈ રહી છે. ગત રાત્રિએ અચાનક રેડ કરતા ત્રણ લાખથી વધારેના મુદ્દામાલ સાથે 3200 લિટરથી વધારેનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા વીરાવાડા પાસે એપેક્સ નામની કંપની પર સાબરકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન 3200 લિટરથી વધારેનું શંકાસ્પદ તેલ ઝડપી લઈ તેલના ૧૫૦થી વધારે ડબ્બાને સિલ કરવામાં આવ્યા છે. નમૂના લેબમાં મોકલાયા છે. જો કે હજુ સુધી આ મામલે ચોક્કસ રિપોર્ટ આવવાનો બાકી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં અન્ય તેલિયા રાજાઓની મિલોમાં પણ તાત્કાલિક ધોરણે ફૂડ ઈસ્પેકટરોએ મુલાકાત લઈ રિપોર્ટ આપવા જિલ્લા વહિવટી વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ તેમજ બનાવટી ખાદ્ય ચીજ-વસ્તુઓ તેમજ માલ-સામાન માટે રજૂઆતો થઈ રહી હતી. તેવા સમયે ગત રાત્રિએ એફ.એસ. નામની કંપનીમાંથી ઝડપાયેલા શંકાસ્પદ તેલના જથ્થાના પગલે જિલ્લામાં અન્ય તેલની મિલ માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.