દિલ્હી-

ભારતમાં એક તરફ લોકો કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યાં છે. જયારે બીજી તરફ કેટલાક રાજયોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ છે. આઠ રાજયોમાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી ૪૭૦થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી વધારે પશ્ચિમ બંગાળ, આસામ અને ગુજરાત જેવા રાજય પ્રભાવિત થયા છે.

માર્ચથી ભારતમાં આ બીજી આફત છે. એનડીઆરએફના ઓછામાં ઓછી ૭૦થી વધારે ટીમો બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે. ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર ચોમાસામાં પશ્ચિમ બંગાળમાં પૂરના કારણે સૌથી વધારે મોત થયા છે. રાજયમાં આ આંકડો ૧૪૨ સુધી પહોંચી ગયો છે. આ સિવાય પાંચ લોકો ગુમ છે. આસામમાં ૧૧૧ અને ગુજરાતમાં ૮૧ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૪૬ અને મધ્યપ્રદેશમાં ૪૪ લોકો પૂરના કારણે મૃત્યુ પામ્યા છે.

કોરોના મહામારી વચ્ચે રાહત કેમ્પોમાં સામાજિક અંતરનું પાલન કરવું એક મોટો પડકાર બની ગયો છે. આસામમાં રાજય સરકાર દ્વારા શરૂ કરાયેલા ૫૬૪ રાહત કેમ્પોમાં લગભગ ૪.૪૫ લાખ લોકો પહોંચ્યા છે. પશ્યિમ બંગાળમાં હાલ ૧૧૮ રાહત કેમ્પ છે. ઉત્ત્‌|રપ્રદેશમાં ૭૮ રાહત કેમ્પ ચાલી રહ્યાં છે.

ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી બે લોકોના મૃત્યુ પૂરના કારણે થયા છે. બિહારમાં પૂરના કારણે કોઇ લોકોના મૃત્યુ થયા નથી પરંતુ ૧૩ રાહત કેમ્પોમાં ૧૨૦૦૦ લોકોને રાખવામાં આવ્યા છે. ગયા વર્ષે પણ ચોમાસામાં ભારે તબાહી મચી હતી.

૩૦ સપ્ટેમ્બર સુધી ૧૪ રાજયોમાં ૧૬૮૫ લોકોના મોત થયા હતા અને અનેક લોકો લાપતા થયા હતા. જાેકે પૂરના કારણે થયેલા આર્થિક નુકસાનના કોઇ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. વર્ષ ૨૦૧૯માં ચોમાસું ભારત માટે અલગ હતું.

આ દરમિયાન ૨૫ વર્ષમાં સૌથી વધારે વરસાદનો રેકોર્ડ તૂટી ગયો હતો. ૮૭૦૦ રાહત કેમ્પોમાં ૨૨ લાખ લોકોને આશરો આપ્યો હતો. સંયુકત રાષ્ટ્રના ડિઝાસ્ટર રિકસ રિડકશનનો આંકડા અનુસાર દુનિયામાં દર વર્ષે ૨.૬ કરોડથી વધારે લોકો પર્યાવરણમાં આવનારા બદલાવોના કારણે ગરીબ થઇ જાય છે.