અમરેલી- 

સમગ્ર ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં હનીટ્રેપને અંજામ આપતી ટોળકી ઝડપાઈ છે. પોલીસે અમરેલી તાલુકાના બાબાપુર તરવડા ગામની વચ્ચે હનીટ્રેપમાં ફસાવી ખંડણી માટે કરાયેલ અપહરણના ગુનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીઓ પાસેથી રોકડા ૧,૬૫,૦૦૦ રૂપિયા, કાર અને મોબાઈલ એમ કુલ મળીને ૫ લાખ ૮૦ હજારનો મુદ્દામાલ અમરેલી એસ.ઓ.જીની ટીમે ઝડપી પાડ્યો છે. અમરેલી પોલીસના જાપતામાં રહેલી આ મહિલા સહિત ચાર આરોપીઓ હની ટ્રેપના ગુનાઓ આચરવામાં નિષ્ણાત છે. અમરેલી તાલુકાના બાબાપુર નજીક ભોરીંગડા ગામના વિજય ભાઈ પરમારને હનીટ્રેપમાં ફસાવી ત્યાં બોલાવી તેમનું અપહરણ કર્યું અને જૂનાગઢ ખાતે લઇ જવામાં આવ્યા.

જૂનાગઢ જઇ તેમને માર મારી તેમની પાસેથી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગવામાં આવી ત્યારે ફરિયાદી વિજયભાઈએ દોઢેક લાખની વ્યવસ્થા કરી આપી અને ત્યારબાદ બીજા દોઢ લાખ રૂપિયા આંગડીયા મારફતે મોકલી આપવાની વાત કરી. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં હનીટ્રેપને અંજામ આપતી આ ટોળકીની મહિલાએ લીલીયા તાલુકાના ભોરીંગડા ગામના ખાનગી નોકરી કરતા વિજય ભાઈને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. સૌથી પહેલા ગૂડ મોર્નિંગનો મેસેજ કરે અને ગૂડ મોર્નિંગ બાદ ‘હાઈ કેમ છો ડાર્લિંગ’ આવો મેસેજ કરવામાં આવે અને ત્યારબાદ હવે ‘તમે મને ન ઓળખો’ એમ કરી વાતને આગળ ચલાવે અને ત્યારબાદ પોતાના વિશે જણાવતા ‘મારું નામ મનીષા પટેલટ છે’ તેમ કહી પોતાના વિશે તમામ માહિતી આપીને હનીટ્રેપમાં ફસાવે છે.

ફરિયાદી વિજયભાઈને વિડીયોકોલ મારફતે લલચાવી રૂબરૂ મળવા બોલાવેલા અને અમરેલી તાલુકાના બાબાપુર ખાતેથી તેમનું અપહરણ કર્યું. ફરિયાદને આધારે અમરેલી એસ.ઓ.જી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. અને ગણતરીના સમયમાં જ પાંચેય આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ પાંચે પકડાયેલા આરોપીમાં મનિષા પટેલ એ અલગ અલગ પોતાના નામથી અલગ-અલગ જિલ્લામાં લોકોને હનીટ્રેપ પ્રેમ જાળમાં ફસાવતી હતી, ત્યારે પોલીસે પૂછપરછ કરતા તેમને માહિતી મળી કે તેમણે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ધારી અને અમરેલી એમ અમરેલી જિલ્લામાં ત્રણ વખત લોકોને હનીટ્રેપમાં ફસાવ્યા હતા.