અમદાવાદ-

અમદાવાદ શહેરમાં તહેવારો બાદ કોરોના વિસ્ફોટને કારણે શનિ-રવિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર અમદાવાદ સૂમસાન જોવા મળી રહ્યું છે. જો કે, અમદાવાદ પોલીસ દ્વારા પણ કર્ફ્યૂનું કડક પાલન થાય તે માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં આવતા તમામ એન્ટ્રી પોઈન્ટ બંધ કરવામાં આવી રહ્યા છે. 

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ગઇકાલ રાતે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સોમવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.

અમદાવાદમાં આવતા વૈષ્ણોદેવી, ઝુંડાલ, અને તપોવન સર્કલ બંધ કરવામાં આવ્યા છે. તો ઉત્તર ગુજરાતથી આવતા વાહનોને પણ પરત મોકલવામાં આવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે ત્યારે માત્ર આવશ્યક સેવાવાળા વાહનોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને રીક્ષા કે ટેક્ષીમાં આવતા લોકોના ચેકઅપ કરવામાં આવી રહ્યા છે.