અમદાવાદ-

સાબરમતી મધ્યસ્થ જેલમાં દવાખાના ખાતે આરોપીઓ ટોળુ કરીને એકઠા થયા હોવાથી જેલ સહાયકે 10-10 ના ગ્રુપમાં દવાખાના ખાતે જવાનું કહેતા 10 કાચા કામના કેદીઓએ જેલ સહાયકો સાથે જપાજપી કરીને જેલ સહાયકની વર્ધીનું સોલ્ડર બેઝ તોડી નાખ્યો હતો. આ અંગે જેલ સહાયકે રાણીપ પોલીસો સ્ટેશનમાં 10 કાચા કામના કેદીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે જેલ સહાયક તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા વનરાજસિંહ દેવડા રાઉન્ડ પુર્ણ થયા બાદ જેલ દવાખાના ખાતે આરોપીઓનું 100 નો ટોળુ એકઠુ થયેલ હોવાથી આરોપીઓને 10 - 10 ના ગ્રુપમાં દવાખાના ખાતે જવા માટે જણાવ્યું હતું. આ દરમિયાન કાચા કામના આરોપી તરીકે રહેતા રઈસખાન પઠાણ તેના સહ આરોપીઓ સાથે ભેગા મળીને જીભાજોડી કરીને હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા. જેથી વનરાજસિંહે તેમના જેલના સહાયકોને બોલાવીને આરોપીઓને સર્કલ યાર્ડની આસપાસ લઈ જવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે દસ કાચા કામના આરોપીઓ વનરાજસિંહ તથા સહાયકો સાથે હાથાપાઈ કરીને ધક્કામુકી કરી વનરાજસિંહની વર્ધીનું સોલ્ડર બેઝ તોડી નાખ્યું હતું. બીજી બાજુ જેલના વધુ સહાયકો અને રાણીપ પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી પહોંચતા આરોપીને તેમના યાર્ડમાં મોકલી આપ્યા હતા. બાદમાં વનરાજસિંહે કાચાકામના દસ આરોપીઓના વિરુદ્ધમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. રાણીપ પોલીસે ઈમરાન ઉર્ફે ગદૂરી શેખ, મોહંમ્મદ તુફેલી શેખ, જાકીર હુસેન શેખ, સમશેર યાસીર શેખ, ઈમરાન અસરફમીયા શેખ, સોહીલખાન પઠાણ. મકબુલખાન પઠાણ, ફુરકાનખાન પઠાણ, તબરેજખાન પઠાણ, રઈશખાન પઠાણના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. આ તમામ આરોપીઓ હાલ કાચા કામના કેદી તરીકે હાલ જેમાં છે.