ખેડા-

મહુધા તાલુકાના હેરંજ ગામે રહેતા અંજનાબેન વસાવાના દસ વર્ષ અગાઉ ઠાસરાના સૂઈ ગામે રાકેશ વસાવા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ થોડા સમય સુધી ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ રાકેશ પત્ની અંજનાબેન સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. થોડા દિવસો અગાઉ પણ ઝઘડો કરતા અંજનાબેન પોતાના પિયર હેરંજ ગામે પિતાના ઘરે કેટલાક દિવસ રહેવા આવ્યા હતા. જે બાદ રાકેશ પણ આવ્યા હતો. જ્યાં રાકેશે પત્ની અંજનાબેનના ચારિત્ર્ય પર શંકા કરી તેમની સાથે ઝઘડો કર્યો હતો. જેનો ખાર રાખી રાકેશે પોતાની પત્ની અંજનાબેન અને સાસુ મંજુલાબેન મકાનમાં સુતા હતા ત્યારે વહેલી સવારેતેમના પર હુમલો કર્યો હતો.બંનેના માથામાં કોદાળીના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા સાસુ મંજુલાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અંજનાબેનને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ ઘટના મામલે મહુધા પોલીસ દ્વારા ફરાર આરોપી રાકેશ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.