ગાંધીનગર-

રાજ્યમાં આગામી તા. ૨૫ મી એપ્રિલના રોજ યોજાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીને પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ગુજરાતભરમાંથી ૮૦ હજારથી વધુ મતદારો મતદાન કરતા હોય છે. ત્યારે હાલની રાજ્યમાં પ્રવર્તી રહેલી કોરોનાની પરિસ્થિતિના કારણે આ શિક્ષણ બોર્ડની ચૂંટણી પ્રક્રિયાને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાએ ૮૦ હજારથી વધુ મતદારો પોતાનું મતદાન કરતા હોય છે. રાજ્યમાં પ્રવર્તમાન સંજોગોમાં કોરોનાની મહામારીની પરિસ્થિતિને જોતા રાજ્યના શાળા સંચાલક મંડળ અને શૈક્ષણિક સંઘો દ્વારા આ ચૂંટણીને મોકૂફ રાખવા માટેની વિનંતી કરવામાં આવી હતી. શાળા સંચાલક મંડળ અને શૈક્ષણિક સંઘોની રજૂઆત બાદ રાજ્ય શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા સત્તાવાર રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો અને જાહેરાત કરવામાં આવી છે કે, પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને અનુલક્ષીને આગામી તા. ૨૫ એપ્રિલના રોજ યોજાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.