વડોદરા : યોગગુરૂ બાબા રામદેવનો એલોપેથીની ચિકીત્સા લઇને ડોક્ટરો સાથેનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. અને સ્થિતિ એવી સર્જાઇ છે કે દેશભરમાં ડોક્ટરો બાબા રામદેવની વિરૂદ્ધમાં પ્રદર્શન કરવા મેદાને પડ્યા છે. જેના સંદર્ભમાં આજે વડોદરા આઇ.એમ.એ શાખાના ખાનગી તેમજ સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ તબિબોએ બ્લેક - ડે ઉજવણીના સમર્થનમાં આજે સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબિબોએ કાળી પટ્ટી ધારણ કરી દર્દીઓને આરોગ્ય સેવાઓ પુરી પાડી હતી. બીજી તરફ આઇ.એમ.એ.ના પ્રમુખ તથા સેક્રેટરીએ બાબા રામદેવની એલોપેથી વિરૂદ્ધ કરેલા વાણી વિલાસ મુદ્દે રાવપુરા પોલીસ મથકે મેમોરેન્ડમ આપવા માટે આવી પહોંચ્યા હતાં. જ્યાં રાવપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે આ મેમોરેન્ડમ ન સ્વીકારી પોલીસ કમિશ્નર તથા જિલ્લા કલેક્ટરને આપવાનું જણાવતાં તબિબોમાં રોષની લાગણી વ્યાપી હતી. તે વાદ આઇ.એમ.એ.ના તબિબ પદાધિકારીઓએ પોલીસ ભવન ખાતે પહોંચી જાેઇન્ટ પોલીસ કમિશ્નરને આવેદન આપી બાબા વિરૂદ્ધ કાનુની કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, યોગ દ્વારા વિશ્વમાં ખ્યાતિ પામેલા બાબા રામદેવે તાજેતરમાં એલોપેથી સારવાર પધ્ધતિ વિરૂદ્ધ વાણી વિલાસ કર્યો હતો. જેમાં એલોપેથી સાયન્સ દેવાળીયું સાયન્સ છે બોગસ છે જે તબિબો તેમની સારવાર પધ્ધતિમાં તેમના જ ડોક્ટરોને કોરોનાકાળમાં સાચવી શક્યા નથી. એક હજાર જેટલા ડોક્ટર્સ મૃત્યુ પામ્યા છે. સહિતના વાણી વિલાસ ધારા કરેલા વિઘટનો સામે દેશ દેશના એલોપેથી ડોક્ટર્સમાં બાબા રામદેવ પ્રત્યે વિરોધ ભભુકી ઉઠ્યો છે. જેથી દેશના વિવિધ રાજ્યના આઇ.એમ.એ દ્વારા બાબા વિરૂદ્ધ માન હાનિ સહિતના કેસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ બાબા રામદેવે એલોપેથી વિરૂદ્ધ કરેલ વાણી વિલાસ માટે માફી માંગે અને તેમને કરેલા વિધાનો પાછા લે તેવી માંગ સાથે એલોપેથી ડોક્ટર્સ દ્વારા આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે ૧ લી જૂનના રોજ બરોડા મેડીકલ કોલેજના રેસીડેન્ટ ડોક્ટર્સ બ્લેક - ડેની ઉજવણીમાં જાેડાયા હતાં. અને આજે સયાજી હોસ્પિટલમાં તમામ રેસિડન્ટ તબિબોએ કાળી પટ્ટી ધારણ કરી દર્દીઓને આરોગ્ય સેવાઓ પુરી પાડી હતી.

જ્યારે આઇ.એમ.એ.ના પ્રમુખ કૈલાસબેન પરિખ તથા સેક્રેટરી ડો.પરેશ મજમુદાર તથા અન્ય તબિબ સભ્યો બાબા રામદેવ વિરૂદ્ધ આવેદન આપવા રાવપુરા પોલીસ મથકે આવ્યા હતાં. પરંતુ રાવપુરાના પી.આઇ.એ આવેદન નહીં સ્વિકારી ડોક્ટરોને પોલીસ ભવન પોલીસ કમિશ્નરને આવેદન આપવા જણાવ્યું હતું. જેથી ડોક્ટરો પોલીસ ભવન પહોંચ્યા હતાં. જ્યાં જાેઇન્ટ પોલીસ કમિશ્નર ચિરાગ કોશીયાને આવેદન આપ્યું હતું.