વડોદરા, તા.૨૨

નકલી સેનિટાઈઝરમાં અત્યંત ઝેરી પદાર્થો ઉમેરાયા હોવાનું બહાર આવ્યા બાદ શહેર પોલીસે સંચાલકની સત્તાવાર ધરપકડ કરી છે. પરંતુ કોરોનાકાળમાં અત્યાર સુધી આ કંપનીએ રૂા.૪૦ કરોડ ઉપરાંતનું માનવજાત માટે અતિગંભીર ગણાતા નકલી સેનિટાઈઝરનું વેચાણ કરી ચૂકી હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ આ સેનિટાઈઝરના ઉત્પાદનનું લાઈસન્સ એક મહિલાના નામે હોવાથી પોલીસ હવે આ મહિલા સામે પણ કાર્યવાહી કરશે એવી માહિતી પ્રાપ્ત થઈ છે.

પોલીસ ડુપ્લિકેટ સેનિટાઈઝરનો મોટો જથ્થો શહેરમાં ઠાલવી દીધો હોવાનું માની રહી છે. ત્યારે આ જથ્થો સામાન્ય નાગરિકોના હાથમાં આવે એ પહેલાં ડિસ્ટ્રિબ્યૂટરો, હોલસેલો, મેડિકલ સ્ટોર સંચાલકો પાસેથી વહેલામાં વહેલી તકે જપ્ત કરી લેવો જાેઈએ એવી માગ ઊભી થઈ છે. કોરોનાનો વ્યાપ ઘાતક બનતાં એનાથી બચાવા માટે સેનિટાઇઝરના ઉપયોગમાં ભારે ઉછાળો આવ્યો હતો. આનો લાભ લઈ મેડિકલ માફિયાઓએ મોટી કમાણી કરવા માટે નકલી ઈન્જેકશન દવાઓથી માંડી સેનિટાઈઝર બનાવવાનું શરૂ કરી દીધું હતું જેના ભાગરૂપે પોલીસ કમિશનરને સીધી થયેલી ફરિયાદના ભાગરૂપે પીસીબીએ રૂા.૪પ લાખનો જથ્થો ઝડપી પાડયો હતો. પરંતુ એ બનાવવા માટે વપરાતી મશીનરી અને હેરફેર માટેના વાહનો પણ જપ્ત કરવા જાેઈએ એવું માનવામાં આવી રહ્યું છે. જાે એમ નહીં થાય તો નકલી સેનિટાઈઝરનું પુનઃ ઉત્પાદન શરૂ થઈ શકે છે.

પોલીસે ઝડપેલા નીતિન અજિતભાઈ કોટવાણી તો સામાન્ય કર્મચારી છે અને તે એક મહોરું છે. પડદા પાછળ મોટા માફિયા હોવાનું કહેવાય છે. ત્યારે પોલીસે લાઈસન્સ ધારક મહિલાની પણ શોધખોળ આરંભી છે. પોલીસે એ.કે.ઈન્ડસ્ટ્રીઝના ચોપડાની તપાસ હાથ ધરી છે જેમાં રો-મટિરિયલ મિક્સ સોલ્વન્ટ મારુતિ કેમ પ્રોડક્ટ નામની કંપનીએ પૂરું પાડયું હોવાનું બહાર આવ્યું છે જેનો માલિક અશોક પટેલ અને ઓફિસ લીસાપાર્ક હાઈટેન્શન રોડ ઉપર હોવાનું બહાર આવ્યું છે. જ્યારે વેચેલા માલની વિગતો પણ પોલીસે મેળવી કાર્યવાહી શરૂ કરી છે. જાે કે, પોલીસે આ બધી કાર્યવાહી ઝડપથી હાથ ધરવી પડશે, નહીંતર ઝેરી સેનિટાઈઝરનો જથ્થો સગેવગે થઈ શકે એમ છે.