દિલ્હી-

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે વિપક્ષી પાર્ટીઓના નેતા સાથે વર્ચુઅલ બેઠક કરી હતી. કોંગ્રેસ સહિત 19 પાર્ટીઓની બેઠકમાં ઘણા મુદ્દા પર સહમતી બની હતી અને વિપક્ષે સરકાર સામે 11 સૂત્રીય માગણી રાખી છે. વિપક્ષે સરકાર પાસે કોરોના વાયારસથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને વળતર આપવા, ગરીબોને 7500 રૂપિયા દર મહિને, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવા જેવી માગણીઓ રાખી છે. વર્ચુઅલ બેઠકમાં વિપક્ષે વર્ષ 2024ની લડાઈ એકજૂથ થઈને લડવાનો નિર્ણય લીધો છે.

સોનિયા ગાંધીએ પાર્ટીઓને લોકસભાની ચૂંટણી માટે એકજૂથ થવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે આપણાં બધાના પોત-પોતાના મતભેદ હોય શકે છે પરંતુ રાષ્ટ્રહિતમાં આપણે એક સાથે આવવું પડશે. કોંગ્રેસ સિવાય આ બેઠકમાં શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ (TMC), NCP, DMK, JMM, CPI, CPM, NC, RJD, AIUDF વેગેરે પાર્ટીના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક દ્વારા વિપક્ષી પાર્ટીઓ શાસક ભાજપને પોતાની એકતા પણ બતાવશે. હાલના ચોમાસુ સત્ર દરમિયાન, પેગાસસ જાસૂસી કૌભાંડ, ખેડૂત આંદોલન, મોંઘવારી અને અન્ય મુદ્દાઓ પર સંસદમાં વિપક્ષે સરકારને ઘેરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસોમાં વિપક્ષી પાર્ટીઓમાં સારી એકતા નજરે પડી રહી છે.