દિલ્હી-

સમાજ કલ્યાણના નામે સરકારી ગ્રાન્ટ મેળવી રહેલી 130 એનજીઓ સામે કેન્દ્ર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. સામાજીક ન્યાય વિભાગે દેશવ્યાપી 130 એવી એનજીઓ શોધી લીધી છે, સમાજ કલ્યાણ માટે ગાઇડલાઇન્સની કોઇ પરવાહ નથી કરતી. આ એનજીઓએ તેના મોટાભાગના રેકોર્ડ સાચવ્યા નથી, તો કેટલીક એનજીઓ હિસાબ બતાવી નથી શકતી કે સરકારી ગ્રાન્ટ ક્યા વાપરી છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ ડિફેન્સ-NISDના નેતૃત્વમાં આવી એનજીઓને શોધવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. એક મીડિયા રિપોર્ટ મુજબ 700 એનજીઓના સરવે બાદ 130 એવી એનજીઓ મળી આવી જેના વ્યવહારો ચોખ્ખા ન હતા.

મંત્રાલયે આ તમામ NGOને બ્લેકલિસ્ટમાં નાખવાની તૈયારી કરી લીધી છે. આ સિવાય સંબધિત નિયમોને પણ કડક કરી શકવાની સંભાવનાઓ ઉભી થઇ છે. NISD ઇન્સ્પેક્શનમાં IIT, TISS અને દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામેલ કરાયા હતા. રિપોર્ટ મુજબ આ તમામ એનજીઓને વાર્ષિક 25 લાખની સરકારી ગ્રાન્ટ મળી રહી છે. આ બધામાં ગુજરાતની એક એનજીઓ પણ સામેલ છે જેને ગ્રાન્ટ તો મળી છે પણ અત્યાર સુધી કોઇ કામ નથી બતાવ્યું.

દેશવ્યાપી જે 700 NGOનું ઇન્સ્પેક્શન કરાયું, એમાં 336 ડ્રગ રિહેબિલિટેશન સાથે જાેડાયેલ છે. ૨૫૩ સંસ્થાઓ વૃદ્ધ નાગરિકો માટે કલ્યાણ કાર્ય કરી રહી છે. 100થી વધારે પછાત જાતિઓના કલ્યાણ માટે કાર્યરત છે. આ સિવાય ગ્રાન્ટ મેળવતી જે એનજીઓ સરકારની નજરમાં આવી ચૂકી છે એમાં સૌથી વધારે 20 મહારાષ્ટ્રમાં છે. કર્ણાટકમાં 13, રાજસ્થાનમાં 11 અને યુપીમાં 8 એનજીઓ છે.